(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
વડાપ્રધાન મોદીએ શનિવારે ભારતના એર માર્શલ અર્જનસિંહના મૃત્યુ બદલ શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ૧૯૬પમાં મહત્ત્વપૂર્ણ કામગીરી બજાવનાર એરમાર્શલને દેશ ભૂલી શકશે નહીં. ભારત એમના અવસાન બદલ શોક પાળશે. પોતાની અસીમ ક્ષમતાઓના આધારે ભારતના એરફોર્સને અર્જનસિંહે નવી ઉંચાઈઓ ઉપર પહોંચાડ્યું હતું. મોદીએ કહ્યું કે થોડા સમય પહેલાં હું એમને મળવા ગયો હતો ત્યારે બીમાર હોવા છતાં ઊભા થઈ સેલ્યુટ કર્યું હતું. એવો એમનો અનુશાસન હતો. થોડી જ મિનિટો પછી મોદી પોતાનો જન્મદિવસ ઉજવવા ગુજરાત ઉપડી ગયા હતા જે પૂર્વ આયોજિત હતું. એમના કેબિનેટ મંત્રીઓ પોતાના મતવિસ્તારોમાં ગયા હતા જેથી એ દિવસને વડાપ્રધાન માટે યાદગાર બનાવી શકાય. ભારતીય જનતા પક્ષે આ દિવસને સેવા દિવસ ઉજવવા નિર્ધાર કર્યો છે. અમિત શાહ રાંચીમાં, જેટલી દિલ્હીમાં, પિયુષ ગોયલ ચેન્નાઈમાં, પ્રકાશ જાવડેકર મુંબઈમાં મોદીનો જન્મદિવસ ઉજવવા ગયા છે. ઉમા ભારતીએ પોતાના સાથીઓને કહ્યું છે કે, સેવા દિવસ માટે ખાસ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી રામપુર ગયા છે. મોદીના જન્મદિવસની ઉજવણી સામે પ્રશ્નો કરાઈ રહ્યા છે. અર્જનસિંહના મૃત્યુ બદલ રાષ્ટ્રીય શોક જાહેર કરી ધ્વજ અર્ધી કાઠીએ ફરકાવવામાં આવી રહ્યો છે અને બીજી બાજુ મોદી જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. શું એ ઉજવણીઓ રદ નહીં કરવી જોઈએ. આલોચકો કહી રહ્યા છે કે મોદી પહેલાં વડાપ્રધાન છે જેમનો જન્મદિવસ ભવ્ય રીતે સમગ્ર દેશમાં જાહેર નાણાં દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે અને એ પણ રાષ્ટ્રીય શોકના સમયે. મનમોહનસિંહની સરકાર વખતે ૧૦ વર્ષમાં એક પણ આ રીતે જન્મદિવસની ઉજવણી થઈ ન હતી.