ભૂજ, તા. ર૪
કચ્છમાં અબડાસા તાલુકાના ખીરસરા-કોઠારા ગામની બાળકીનું રૂબેલા-ઓરીની રસી પીધા બાદ શંકાસ્પદ મોત થતાં કચ્છના વાલી જગતમાં આ રસી પ્રત્યે ડર વ્યાપી ગયો છે. થોડા દિવસ પૂર્વે અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે પણ આ રસી પીધા બાદ એક બાળકનું મોત થયું હતું. ત્યારપછી હવે કચ્છમાં પણ આવો કરૂણ બનાવ બનતાં આ રસીની ગુણવત્તા પ્રત્યે લોકોમાં શંકા પેદા થઈ છે અને તંત્રની ચિંતા વધી છે.
કચ્છના આ બનાવની વિગત એવી છે કે, ખીરસરા-કોઠારા ગામની ૧૩ વર્ષીય બાળકીને તા. ૧૯/૭ના સરકારી શાળામાં ઓરી-રૂબેલાની રસી આપવામાં આવી હતી. બાદમાં આ બાળકીની તબિયત લથડતા તેણીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાંથી રજા મળ્યા બાદ તા. ર૪/૭ના સવારે આ બાળકી પોતાના ઘરે અચાનક જ ઢળી પડી હતી અને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક નલિયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં આ બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. ઓરી-રૂબેલા રસીની આડ અસરથી બાળકીનું મોત થયું હોવાનું મૃત બાળકીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે.