કોડીનાર, તા. ૪
દેશભરમાં ખેડૂતો કેન્દ્ર સરકાર સામે ખેત પેદાશોના પોષણક્ષમ ભાવના મુદ્દે તા. ૧ જુનથી આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે તેનો પડઘો કોડીનાર પંથકમાં પણ પડતા કોડીનારના ખેડૂતો અને પશુપાલકોએ રસ્તા ઉપર દૂધ ઢોળી દૂધનું વેચાણ કરી સરકાર વિરૂદ્ધ રોષ ઠાલવી ભારે વિરોધ વ્યક્ત કર્યો છે. જેમાં કોડીનાર તાલુકાના સરખડી ગામના પશુપાલકોએ રોષે ભરાઈ દૂધના કેન રોડ ઉપર ઠાલવી દઈ સરકાર વિરૂદ્ધ રોષ વ્યક્ત કરતાં પંથકના ખેડૂતોમાં બેઠકોના દોર ચાલુ થયા છે. જ્યારે આજે સવારે કોડીનાર શહેરમાં સુગર ફેક્ટરી સર્કલ પાસે પણ ખેડૂતોએ રસ્તા ઉપર દૂધ ઢોળી સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.
તેમજ કોડીનાર પંથકના ખેડૂતો દ્વારા શાકભાજી વેચવાનું બંધ કરાશે અને કોડીનાર સહિતના માર્કેટીંગ યાર્ડમાં થઈ રહેલી શાકભાજીની હરાજી અટકાવવા રણનીતિ ઘડવામાં આવી છે અને જો કોઈ ગામડા કે શહેરમાંથી દૂધના ટેન્કરો પસાર થશે તો તેને રોડ ઉપર જ ઠાલવી દેવાની ચિમકી ઉચ્ચારી છે.