રસ્તાની ચાલતી કામગીરી દરમિયાન ભાજપ કાર્યકરે ખેસ પહેરી ફોટા પડાવતાં લોકોમાં ઉહાપોહ

(સંવાદદાત દ્વારા) આણંદ, તા.૨૫
હાલમાં સમગ્ર ગુજરાત સહિત ચરોતરમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે ચૂંટણી કમિશન સહિત વહિવટી તંત્ર દ્વારા આચારસંહિતાના નિયમ સાથે જે તે પક્ષો ઉપર બાજ નજર રાખી ક્યાંય આચારસંહિતાનો ભંગ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. તેવામાં આણંદની પૂર્વપટ્ટીના પાધરિયા વિસ્તારમાં બાકી રહેલા રસ્તાની કામગીરીને પૂરી કરવા કલેક્ટરના આદેશ અનુસાર રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આ જ વિસ્તારના ભાજપના કાર્યકર દ્વારા કામગીરીના સ્થળે આવી જેસીબી મશીન પાસે ભાજપનો ખેસ પહેરી ફોટા પડાવી ફેસબુક ઉપર પ્રચાર પ્રસાર કરતા સ્થાનિક જાગૃતોમાં ઉહાપોહ મચી જવા પામ્યો છે. આ મામલે વિસ્તૃત જાણકારી અનુસાર આણંદની પૂર્વ પટ્ટી વિસ્તાર પાધરિયા ખાતે છેલ્લા ઘણા સમયથી રસ્તાની કામગીરી અટકી જવા પામી હતી. સ્થાનિક અગ્રણીઓ તથા જાગૃત નાગરિકોની રજૂઆત તેમજ અખબારી અહેવાલ પ્રસિદ્ધ થતાં આ વિસ્તારમાં બાકી રહી ગયેલ રસ્તાઓની કામગીરી પૂર્ણ કરવા માટે આદેશો આપતા આ વિસ્તારમાં રસ્તાની કામગીરી જેસીબી મશીન દ્વારા કેટલાક કારીગરો દ્વારા શરૂ કરવામાં આવી હતી.જો કે કામગીરી શરૂ થતાં જ ભાજપના કાર્યકર્તાઓએ મોકાનો લાભ લઈ ભાજપના ખેસ સાથે જેસીબી મશીન સાથે ફોટા પડાવી ફેસબુક ઉપર પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવતા સ્થાનિક જાગૃતોએ કરેલી પોસ્ટને જોતા ભારે ઉહાપોહ સાથે વિરોધ ફેલાઈ જવા પામ્યો હતો. આ અંગે સ્થાનિક કોંગ્રેસનાં કાર્યકર વિપુલ મેકવાને કહ્યું હતું કે, ભાજપના કાર્યકરે રસ્તાની કામગીરી ચાલી રહી છે ત્યાં જઈ ભગવા ખેસ સાથે ફોટાઓ પડાવીને પોતે આ કામ કરાવતા હોય તેવો પ્રચાર કરીને આચારસંહિતાનો ભંગ કરેલ છે ત્યારે ચૂંટણી અધિકારીએ ભાજપ સામે આચારસંહિતા ભંગનો ગુનો નોંધવો જોઈએ તેમ જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks