(એજન્સી) મુંબઈ, તા.૧૦
આગામી સપ્તાહમાં નાગપુર ખાતે યોજાનાર સંઘના એક કાર્યક્રમમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા મંચ પર જોવા મળશે. ગયા સપ્તાહે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ નાગપુરમાં સંઘ કાર્યાલય ખાતે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સંઘના પ્રવક્તાએ કહ્યું કે, ર૪ ઓગસ્ટના રોજ ટાટા અને ભાગવત નાના પાલકર સ્મૃતિ સમિતિ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થશે. આ એનજીઓનું નામ સંઘપ્રચારક નાના પાલકરના નામે રખાયું છે. આ સમિતિનું પરિસર મુંબઈના ટાટા મેમોરિયલ હોસ્પિટલ પાસે છે. જે હોસ્પિટલોમાં કેન્સરના દર્દીઓને મદદ કરે છે. સંઘના પદાધિકારીઓએ જણાવ્યું કે, ટાટા આ પરિસરની મુલાકાત લઈ ચૂક્યા છે. તેઓ એનજીઓના કામથી પરિચિત છે. સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, સંઘ તમામને માટે આત્મીયતાને આદર્શ માને છે. તેથી તેને પૂર્વ રાષ્ટ્રપતિ મુખરજીને બોલાવવામાં ખચકાટ થયો નહીં. મુખરજી કોંગ્રેસમાં હતા ત્યારે પક્ષના હતા. પરંતુ રાષ્ટ્રપતિ થયા પછી પૂરા દેશના થઈ જાય છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આયોજિત પ્રેરણા વિદ્યાર્થી સંમેલનમાં તેમણે કહ્યું કે, મુખરજીને બોલાવવામાં અમને કોઈ કચવાટ નહતો કે તેમણે આવવા માટે પણ કોઈ ખચકાટ અનુભવ્યો નથી. આપણે બધા એક જ દેશના છીએ. એકબીજા પ્રત્યે આત્મીયતા હોવી જોઈએ.