જામનગર, તા.૭
કલ્યાણપુરના રાવલ પાસેથી વહેતી વર્તુ નદીમાં ગઈકાલે બપોરે બે પિત્તરાઈ ભાઈઓ ન્હાવા માટે પડયા પછી આ બન્ને બાળકો નદીના વહેણમાં ખેંચાવા લાગતા તેઓને બચાવવા માટે પડેલી માતાનું પણ ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ બે બહેનોએ બે ભાઈઓને ગૂમાવતા ભારે અરેરાટી પ્રસરી છે. પુત્ર તથા ભત્રીજાને બચાવવા પડેલી માતા પણ મોતને શરણ થતા આ પરિવાર પર વજ્રઘાત થયો છે.
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં રહેતા અને સેન્ટીંગ કામ કરતા માંડણભાઈ વાઘેલા વર્ષોથી રાવલમાં પોતાના પત્ની લખમીબેન તેમજ પુત્ર મેહુલ (ઉ.વ.૧૩) સહિતના બે પુત્રો અને પુત્રી સાથે વસવાટ કરે છે. તેઓની સાથે તેમના નાનાભાઈ જેઠાભાઈ વાઘેલા અને અન્ય પરિવારજનો પણ સંયુક્ત કુટુંબમાં રહે છે.
ગઈકાલે રવિવારની રજા હોવાના કારણે માંડણભાઈનો પુત્ર મેહુલ (ઉ.વ.૧૩) તથા પિત્તરાઈ હરીશ જેઠાભાઈ (ઉ.વ.૯) અને અન્ય બાળકો ગામની સીમમાંથી વહેતી વર્તુ નદીમાં ન્હાવા માટે ગયા હતા. આ બાળકો નદીના આગળના ભાગમાં ન્હાતા-ન્હાતા થોડા આગળ ગયા ત્યારે અચાનક જ પાણીના વહેણમાં મેહુલ તથા હરીશ ખેંચાવા લાગતા સાથે રહેલા બાળકો ગભરાયા હતા, તેઓએ બૂમાબૂમ કરી અન્ય લોકોનું દોરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે કેટલાક બાળકો દોડીને મેહુલના ઘરે પહોંચ્યા હતા જ્યાં તેઓએ મેહુલ અને હરીશ નદીમાં ડૂબતા હોવાનું કહેતા હાંફળાફાંફળા બનેલા લખમીબેન નદીના કાંઠે દોડયા હતા.
આ વેળાએ બન્ને બાળકો નદીની મધ્યમાં પહોંચી ગયા હતા તે નિહાળી કંઈ જ વિચાર્યા વગર લખમીબેને નદીમાં ભૂસકો માર્યો હતો. પોતાના પુત્ર તથા ભત્રીજાને બચાવવાના પ્રયાસમાં લખમીબેન પણ નદીની વચ્ચે પહોંચી ગયા હતા જ્યારે કાંઠે ઉભેલા લોકોએ ત્રણેયને બચાવવા માટે પ્રયાસો શરૃ કર્યા હતા.આ પ્રયાસો સફળ થાય તે પહેલા માતા લખમીબેન, પુત્ર મેહુલ અને ભત્રીજા હરીશનું નદીના ઉંડાણમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હતું. ત્રણેય વ્યક્તિઓને નદીની બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી આ સમયે જ દોડી આવેલા કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.યુ. સોલંકી તથા સ્ટાફે બનાવની વિગતો જાણી હતી. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. આ બનાવે રાવલ ગામમાં ભારે ચકચાર પ્રસરાવી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતક મેહુલના પિતા માંડણભાઈને ચાર સંતાનો હતા જેમાંથી દોઢેક વર્ષ પહેલા એક પુત્રનું ગંભીર બીમારીના કારણે નિધન થયા પછી ગઈકાલે મેહુલ પણ પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યો છે. જયારે નાનાભાઈ જેઠાભાઈનો પુત્ર હરીશ પણ ગઈકાલના બનાવમાં ભોગ બન્યો છે. બન્ને ભાઈઓ રાવલમાં આવેલી એક જમીનમાં ભાગમાં વાવેતર કરી પરિવારનું પેટિયુ રળે છે.