Site icon Gujarat Today

છૂટાછેડા થાય ત્યારે દોષિત ભલે ગમે તે હોય સજા બંનેને થાય છે

રાજકોટ, તા. રપ
સનલાઈટ ફાઉન્ડેશન ટ્રસ્ટના મનોવૈજ્ઞાનિક ડૉ. રવિ ત્રિવેદી સમાજમાં વધતા જતા છૂટાછેડાના બનાવોને અનુલક્ષી ટકોર કરતા કહે છે કે સંબંધ તૂટે ત્યારે દોષિત ભલે ગમે તે હોય પણ સજા બંનેને થાય છે. છૂટા પડતાં યુગલો ક્યારેય નથી વિચારતા કે કોર્ટમાંથી ડાયવોર્સ તો મળી જશે પણ સાથે વિતાવેલી સારી પળોની યાદોમાંથી છૂટા નહીં થઈ શકાય. માણસનું મન બહુ સંવેદનશીલ હોય છે. એક ખરાબ શબ્દ કે એક સેકન્ડ માટે કરેલું ‘મિસબહેવીયર’ સેંકડો સારા શબ્દ કે કરેલા ઘણા સારા વર્તનને ભૂંસી શકવા માટે સમક્ષ હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે છૂટાછેડાનું કારણ સાવ ક્ષુલ્લક હોય પરંતુ એના લીધે સાત જન્મોનો સંબંધ તૂટી જતો હોય છે. છૂટાછેડા પાછળ સૌથી મોટું કારણ વિચારોનું હોય છે. વિચારોનું ‘અલગપણું’ જ્યારે વધીને વિરાટ સ્વરૂપ લઈ લે ત્યારે કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે સંબંધ તૂટી જતો હોય છે. આજે વિશ્વમાં વિચારધારાનો જ સંઘર્ષ ખૂબ વધુ જોવા મળે છે પણ પરણેલા યુગલો એ નથી વિચારતા કે અલગ વિચારો કરવા કરતાં પરિસ્થિતિ મુજબ બેમાંથી જેનો વિચાર સુયોગ્ય હોય તેના મુજબ ચાલવાથી જિંદગીની સફર ખૂબ જ સુંદર રીતે કરી શકાશે. કેમ કે, બંનેના વિચારો એમની જગ્યાએ બરાબર તો હોય જ છે પરંતુ જે-તે પરિસ્થિતિ મુજબ કોઈ એકનો વિચાર જ યોગ્ય હોય છે. અલગ વિચારો કરી છૂટા પડી જવાને બદલે જ્યારે પતિ પત્ની એકબીજાના પૂરક બની જાય ત્યારે એમનો સંસાર સ્વર્ગ બની જાય છે એને કોઈ મુશ્કેલી બંનેને હરાવી શકતી નથી.

Exit mobile version