આધાર બાયોમેટ્રીક ડેટા કોઇ હેક કરી શકે તેમ નથી : રવિશંકર પ્રસાદ

(એજન્સી) તા.૧૬
કેન્દ્રીય ઇન્ફર્મેશન અને ટેકનોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદે પણજી ખાતે જણાવ્યું હતું કે આધારનો બાયોમેટ્રીક ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમણે એવું ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ડેટાને એક અબજ વખત કોશિશ કરવા છતાં કોઇ હેક કરી શકે તેમ નથી. રવિશંકર પ્રસાદેે એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેતા જણાવ્યું હતું કે સિસ્ટમમાં મારા ફીંગર પ્રિન્ટ અને આંખની કીકીનું સ્કેનિંગ સુરક્ષિત છે અને અબજ વખત પ્રયાસ કરવા પર પણ તેને હેક કરી શકાય તેમ નથી. તેમણે જણાવ્યું હતું કે આધારના સત્તાવાળાઓ દર સેકન્ડે એક કરોડ વખત તેની તપાસ કરતા રહે છે અને ડેટા સ્ટોરેજ સંપૂર્ણપણે સંગીન અને સુરક્ષિત છે. કેન્દ્રીય પ્રધાને પ્રશ્ન કરતા પૂછ્યું હતું કે શું તમને ખબર છે કે દર ત્રણ સેકન્ડે અમે કેટલી વખત તેનું ઓથેન્ટિકેશન કરીએ છીએ ? આ પ્રશ્નો જવાબ સ્વયં આપતા તેમણે જણાવ્યું હતું કે દર ત્રણ સેકન્ડે ૩ કરોડ વખત આધારનું ઓથેન્ટિકેશન થાય છે. તેમણે પૂછ્યું હતું કે શું તમને ખબર છે કે કેટલા બેંક ખાતાઓ આધાર સાથે સંંલગ્ન છે ? તેનો પણ જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે ૮૦ કરોડ બેંક ખાતાઓ આધાર સાથે સંલગ્ન છે અને આધાર તમારી સ્વદેશી ટેકનોલોજી છે અને સંસદની મંજૂરી સાથે સંપૂર્ણપણે સુરક્ષિત છે. રવિશંકર પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે આ એટલું મુશ્કેલ છે કે જો હું ફીંગર પ્રિન્ટ અને આંખની કીકીના સ્કેનિંગની માહિતી રાષ્ટ્રીય સુરક્ષા સિવાય અન્ય કોઇ પરિચિત વ્યક્તિને આપું તો મારી સામે કાનૂની કાર્યવાહી થઇ શકે છે. અમે આ બાબતનો તેમાં સમાવેશ કર્યો છે. રવિશંકર પ્રસાદે મોદી સરકારની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે સરકારે ભારતને વધુને વધુ ડિજીટલ બનાવવા માટે સઘન પગલાંઓ ભર્યા છે. તેમણે પૂછ્યું હતું કે ભારતનો ડિજીટલ પ્રોફાઇલ કેવો છે ? દેશની ૧૩૦ કરોડની વસ્તીમાં ૧૨૧ કરોડ મોબાઇલ ફોન ભારતમાં છે. દેશમાં ૪૫ કરોડ સ્માર્ટફોન અને ૫૦ કરોડથી વધુ ઇન્ટરનેટ કનેક્શન છે. સાથે સાથે ૧૨૨ કરોડ પાસે આધાર કાર્ડ છે એવું રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts