નોટબંધી : કાળાનાણાં, ડિજીટલ અર્થતંત્ર અંગે RBIના રિપોર્ટથી મોદી સરકારને શરમજનક લપડાક

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
રિઝર્વ બેંકે ૨૧ મહિનામાં બેંકોમાંથી પરત આવેલી જુની નોટોની ગણતરી પુરી કરતાસ્પષ્ટતા થવા પામી છે કે, ૧૫.૪૪ લાખ કરોડ રૂપિયામાંથી ૯૯.૩૦ ટકા રકમ સિસ્ટમમાં પરત ફરી છે. એટલે તેનાથીએ સાબિત થયું કે, દેશમાં કાળુ નાણું ફક્ત ૦.૭ ટકા જ હતું અથવા કાળા નાણા ધરાવારાઓએ સાંઠ ગાંઠ કરીને પોતાના કાળા નાણાને સફેદ કર્યા છે. જોકે, નોટબંધીથી નકલી નોટો પણ નથી પકડાઇ અને ડીજીટલ લેણ-દેણ પણ વધી નથી. જો કાળું નાણું કથિત રીતે હતું તોય તે સિસ્ટમમાં આવીને સફેદ થઇ ગયું. આ સાર રિઝર્વ બેંકના વાર્ષિક રિપોર્ટમાંથી બહાર આવ્યું છે. રિઝર્વ બેંકે બુધવારે ૨૦૧૭-૧૮નો પોતાનો વાર્ષિક રિપોર્ટ જારી કર્યો હતો જેમાં દાવો કરાયો છે કે, નોટબંધીના સમયે જેટલું જુનું ચલણ બજારમાંથી બહાર થયું હતું તેના કરતા વધુ હવે ચલણમાં આવી ગયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ રાતે આઠ વાગે દેશને સંબોધન કરતા ૧૦૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. તેના બીજા જ દિવસે દેશભરની બેંકો આગળ લાંબી કતારો સર્જાઇ હતી જ્યાં લોકો પોતાની જુની નોટો જમા કરાવી તેના બદલે નવી નોટો લેવા માટે આકરી કસોટીમાંથી પસાર થઇ રહ્યા હતા. આ કતારોને કારણે ૧૫૦ જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. નોટબંધી સમયે વડાપ્રધાને કેટલાક તર્ક આપ્યા હતા અને કહ્યું હતું કે, આવું એ માટે કરવામાં આવે છે જેથી કાળા નાણા પર લગામ લગાવી શકાય, ડીજીટલ લેણ-દેણ અને કેશલેસ ઇકોનોમીને પ્રોત્સાહન આપવામાં આવે અને આતંકવાદ પર કાબૂ મેળવાશે. વડાપ્રધાનના નોટબંધીની જાહેરાત બાદ આરબીઆઇએ આની સાથે સંકળાયેલા આંકડા જારી કર્યા છે જેમાં જણાવાયું છે કે, ૯૯.૩૦ ટકા જુની નોટો બેંકોમાં પરત આવી ગઇ છે. નોટબંધી સમયે ૫૦૦ અને ૧૦૦૦ની ૧૫.૪૪ લાખ કરોડની નોટો ચલણમાં હતી. આ નોટોને પ્રતિબંધિત જાહેર કરી દેવામાં આવી પણ રિઝર્વ બેંકે ૨૧ મહિના લગાવી સ્પષ્ટતા કરી છે કે, ૧૫.૪૪ લાખ કરોડમાંથી ૯૯.૩૦ ટકા ચલણ સિસ્ટમમાં પરત ફર્યું છે. આ એ નાણા છે જેને કાનુની રીતે લોકોએ બેંકોમાં જમા કરાવ્યા હતા. એટલે દેશમાં કાળુ નાણું ફક્ત ૦.૭ ટકા હતું. પીએમ મોદીએ નોટબંધી સમયે એમ પણ કહ્યું હતું કે, આનાથી નકલી નોટો પર રોક લગાવાશે. પણ રિઝર્વ બેંકે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, જેટલી નોટ પરત ફરી છે તેની તપાસ બાદ જ આ ગણતરી કરવામાં આવી છે. એટલે નકલી નોટો તો સિસ્ટમમાં હતી જ નહીં અને હોય તો પણ સામાન્ય પ્રમાણમાં. આરબીઆઈએ નકલી નોટો પર પણ આંકડા જારી કર્યા છે. આરબીઆઇએ કહ્યું છે કે, ૨૦૧૭-૧૮માં ૫,૨૨,૭૮૩ નોટ, ૨૦૧૬-૧૭માં ૭,૬૨,૦૭૨ નોટ અને ૨૦૧૫-૧૬માં ૬,૩૨,૯૨૬ નોટ પકડવામાં આવી છે. એટલે નકલી નોટોનો ધંધો હજુ પણ ચાલુ જ છે.
નોટબંધી સમયે જેટલી જૂની કરન્સી બજારથી બહાર થઈ તેનાથી વધુ હવે સર્કુલેશનમાં છે. માર્ચ ૨૦૧૮ સુધી ૧૮.૦૩ લાખ કરોડ રૂપિયા ચલણમાં આવી ચૂક્યા છે. એક વર્ષમાં તેમાં ૩૭.૭%નો વધારો થયો છે. આરબીઆઈએ ૨૦૧૭-૧૮ માટે જાહેર કરેલા પોતાના રિપોર્ટ મુજબ માર્ચ ૨૦૧૭ સુધી જેટલી કરન્સી સિસ્ટમમાં હતી તેમાં ૭૨.૭% નોટ ૫૦૦ અને ૨,૦૦૦ની હતી. માર્ચ ૨૦૧૮ સુધી તે ૮૦.૨% થઈ ગઈ. આરબીઆઈ મુજબ, ગત નાણાકિય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં સુધાર આવ્યો છે. દેશમાં રોકાણ અને નિર્માણ વધ્યું છે. વાર્ષિક આધાર પર મોંઘવારી ઓછી થઈ છે. છેલ્લા થોડા વર્ષોની તુલનામાં ક્રેડિટ ગ્રોથ પણ ડબલ ડિજિટમાં પરત આવ્યો છે. ઇનડાયરેક્ટ ટેક્સ સિસ્ટમમાં જીએસટી મહત્વપૂર્ણ સાબિત થયો છે. આરટીઆઇના એક જવાબમાં આરબીઆઇએ જણાવ્યું હતું કે, દેશભરમાં આરબીઆઇ કચેરીઓમાંથી જૂની અને ફાટેલી નોટો નષ્ટ કરીને ઇંટ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આરબીઆઇનાં આ રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે નોટબંધી તદ્દન નિષ્ફળ નિવડી છે. કારણ કે ફક્ત ૧૦૭૨૦ કરોડની રદ્દ થયેલી નોટો પરત જમા નથી થઇ. આરબીઆઇએ વર્ષ ૨૦૧૬-૧૭માં રૂ. ૫૦૦ તેમજ રૂ. ૨૦૦૦ની નવી નોટો છાપવા પાછળ કુલ રૂ. ૭૯૬૫ કરોડ ખર્ચ્યા હતા જે ૨૦૧૫-૧૬માં થયેલા રૂ. ૩૪૨૧ કરોડ કરતા બમણો ખર્ચ દર્શાવે છે.

વિશ્વના એકપણ અર્થશાસ્ત્રીએ નોટબંધીને
વખાણી નથી : પી. ચિદમ્બરમ

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે ભાજપની અને સરકારની ટીકા કરતા કહ્યું હતું કે, નોટબંધીના નિર્ણયને વિશ્વભરના કોઈ એક પણ અર્થશાસ્ત્રીએ વખાણ્યો નથી. દિલ્હીમાં એનએસયુઆઈની બેઠકને સંબોધતા ચિદમ્બરમે કહ્યું કે, નોટબંધીનો નિર્ણય સારો હતો તેવું કહેનાર વિશ્વનો કોઈ પણ એક અર્થશાસ્ત્રી બતાવો. એક પણ નહીં. જે દિવસે વડાપ્રધાન મોદીએ નોટબંધીનો નિર્ણય કર્યો તે દિવસે સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ કેરળમાં હતા. તેઓ દિલ્હીમાં ન હતા. તેમની સાથે ચર્ચા પણ કરાઈ ન હતી. તેઓ જાણતા પણ ન હતા કે નોટબંધી થશે. જ્યારે દેશના મુખ્ય આર્થિક સલાહકાર જાણતા ન હોય ત્યારે આ કેવા પ્રકારનું અર્થતંત્ર કહેવાય ?

કેબિનેટે અધિક મોંઘવારી ભથ્થું મંજૂર કર્યું, ૧.૧ કરોડ લોકોને ફાયદો

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૯
મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને ખુશ કરી દીધા છે. મંત્રીમંડળની બેઠકમાં ર ટકા મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય કરાયો. કેબિનેટે પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ સાથે કેન્દ્રીય કર્મચારીઓને મળનાર ભથ્થું ૯ ટકા થઈ ગયું છે. કેન્દ્રીય કર્મચારીઓના વધેલા મોંઘવારી ભથ્થાનો અમલ ૧ જુલાઈથી લાગુ કરી દેવાશે. ૪૮ લાખ કર્મચારી ઉપરાંત ૬૧ લાખ પેન્શનરોને તેનો લાભ મળશે. મોંઘવારી ભથ્થાનો વધારો સાતમા વેતનપંચની ભલામણોના આધારે કરાયો છે. કર્મચારીઓના બેઝિક પગાર પર મોંઘવારી ભથ્થું અપાશે. સરકાર ઈન્ડેક્સને મોડીફાઈ કરી રહી છે. આવું કરવાથી બેઝ ઈયરમાં પણ બદલાવ આવશે. તે આધારે ડીએની ગણતરી થશે. મોદી સરકારના આ નિર્ણયથી કુલ ૧ કરોડ કર્મચારીઓને લાભ મળશે. તહેવારોને નજરમાં રાખી લેવાયેલા નિર્ણયથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks