ચાર માસ અગાઉ બનાવેલ આરસીસી માર્ગ ચોમાસાના પ્રારંભે જ ધોવાઈ ગયો

માંગરોળ,તા.૧૦
માંગરોળ તાલુકાના વાંકલ ગામે વાંકલની મુખ્ય બજારમાંથી પસાર થતા માર્ગથી જૈન દેરાસર થઈ વાંકલ રેલવે સ્ટેશન સુધીનો માર્ગ, અગાઉ રપ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો.
આ માર્ગ, માંગરોળના માર્ગ અને મકાન વિભાગની કચેરી દ્વારા બનાવવામાં આવ્યો હતો માર્ગ જમીન લેવલથી એક ફૂટ ઉંચો બનાવવામાં આવ્યો હતો જેથી આ માર્ગની બંને તરફ આવેલ દુકાનો અને રહેઠાણના મકાનોનાં માલિકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. કારણ કે જમીન લેવલથી એક ફુટ ઉંચો માર્ગ હોય અને આ માર્ગની બંને તરફ અનેક દુકાનો અને મકાનો વર્ષો જૂના હોય, જમીન લેવલની લગોલગ હોય ચોમાસામાં વરસાદનું પાણી સીધું જ મકાનોમાં ઘૂસી જવાની નોબત ઉભી થઈ હતી. આખરે રપ લાખના ખર્ચે બનેલ આ માર્ગને એક જ માસમાં ખોદી કાઢવામાં આવ્યો હતો. ત્યાર બાદ ત્રણ ચાર માસ અગાઉ પુનઃ રપ લાખના ખર્ચે આ માર્ગને આરસીસીનો બનાવવામાં આવ્યો જે જમીન લેવલથી ચાર ઈંચ ઉંચો રાખવામાં આવ્યો હતો. સાથે જ આ માર્ગની બંને તરફ પાણીની ગટર અને પેવર બ્લોક નાખવાની કામગીરી કરવાની હતી. પરંતુ નિયત સમયમાં પેવર બ્લોકની કામગીરી શરૂ ન કરાતા અને ચોમાસાની મોસમ શરૂ થઈ જતા પેવર બ્લોક લગાવવાની કામગીરી હાલમાં બંધ કરવી પડી છે. વળી પ્રથમ ચોમાસાના નજીવા વરસાદમાં જ રપ લાખના ખર્ચે તૈયાર થયેલ આ માર્ગ ઘણા સ્થળે ધોવાઈ જવા પામ્યો છે. વળી ડ્રેનેજથી વ્યવસ્થા ઉભી ન કરાતા રહીશોએ પોતાના દુકાન-મકાનોની સામે કાચી પાળીઓ બનાવી વરસાદી પાણીના નિકાલનું આયોજન કર્યું છે. પરંતુ આ રહીશો માટે એક મોટી સમસ્યાઓ ઉભી થઈ છે કે, પોતાના ફોર વ્હીલર અને ટુ વ્હીલર વાહનો કયાં પાર્કિંગ કરવા, જો અન્ય સ્થળે વાહનો પાર્ક કરવામાં આવે તો વાહનોની સલામતીનું શું ? કેમ કે ભૂતકાળમાં વાહનોમાંથી પેટ્રોલ-ડીઝલ-વ્હીલની ચોરીના બનાવો બન્યા છે અને મોટર સાઈકલ ચોરીના પણ બનાવો બન્યા છે. વળી આ માર્ગની બંને તરફ કેટલાક વેપારીઓ પણ પોતાની દુકાન ચલાવતા હોય એમના ગ્રાહકોના વાહનો કયાં પાર્ક કરવા એ પણ વિકટ પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે જવાબદાર તંત્ર તાકીદે આ પ્રશ્ન હલ કરે એવી માગ કરવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks