(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૪,
પાદરાના ચાણસદ ગામમાં રહેતી એમ.એસ.યુનિ.ની વિદ્યાર્થિની ખુશ્બુ જાનીની હત્યા કરનાર તેના ધર્મનાં ભાઇને આજે સાથે રાખીને સમગ્ર ઘટનાનું પોલીસે રી-કન્સ્ટ્રકશન કર્યું હતું. હત્યારા યુવકને હત્યા કરેલા સ્થળ અને ખુશ્બુની લાશ જે તળાવમાં ફેંકી હતી તે સ્થળનું પણ રી-કન્સ્ટ્રકશન પોલીસે કરાવ્યું હતું.
પાદરાના ચાણસદ ગામમાં રહેતી ખુશ્બુ જાનીને જય વ્યાસે ધર્મની બહેન બનાવી હતી. ખુશ્બુને પુઠ્ઠા ચઢાવવાના બહાને ઘરમાં બોલાવી બળજબરી કરી હતી. જેનો ખુશ્બુએ ઇન્કાર કરતાં જયે ક્રૂરતાપૂર્વક હથોડી અને કુહાડીના ઘા મારી ખુશ્બુને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ખુશ્બુની લાશને ગોદડીમાં વિટાળી પ્લાસ્ટીકની થેલીમાં બંધ કરી ગામનાં તળાવમાં ફેંકી દીધી હતી. આ ચકચારી હત્યામાં પોલીસે જય વ્યાસ અને પુરાવાનો નાશ કરનાર તેના માતા-પિતાની ધરપકડ કરી હતી.
પોલીસ આજે હત્યારા જયને લઇને તેના ઘરે આવી હતી. જ્યાં ખુશ્બુને કેવી રીતે બાથમાં ભીડી અને બાદમાં કેવી રીતે તેની હત્યા કરી લાશને ગોદડીમાં કેવી રીતે વિટી હતી અને આ લાશને ગામનાં તળાવમાં લઇ જઇને ફેંકવા સહિતનો પોલીસે રીકન્સ્ટ્રકસન કરાવ્યું હતું. આ હત્યારા જયને ગામમાં લાવતા ગામજનોનાં ટોળા ભેગા થઇ ગયા હતા. રોષે ભરાયેલા ગામજનોએ હત્યારાને અમને સોેપો તેવી માંગણી પણ કરી હતી.