(એજન્સી) નાગપુર,તા.૧૬
આપણો પક્ષ મૅન ટુ મૅન અને હાર્ટ ટુ હાર્ટ ચાલનારો પક્ષ છે. મીડિયાના ભરોસે ચાલનારો આપણો પક્ષ નથી, અમુક લોકો પેપર ટાઇગર છે, આપણે નથી, તેવો ટોણો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુર ખાતે સાથીપક્ષ શિવસેનાને માર્યો હતો. નાગપુર ખાતે ભાજપ કાર્યકર્તાઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે અમુક લોકો અખબારોમાં સમાચાર છપાય એટલે પોતાની જાતને મોટા નેતા માની બેસે છે, પણ આપણે લોકો વચ્ચે જઈને કામ કરનારો પક્ષ છીએ. હાલમાં સોશિયલ મીડિયા પર કૉંગ્રેસ દ્વારા ભાજપના કામ મામલે ભ્રમ ફેલાવવામાં આવે છે, પરંતુ તમે તર્કશુદ્ધ માહિતી દ્વારા લોકોના આ ભ્રમને દૂર કરવા પ્રયત્ન કરો, તેવું આહ્વાન પણ તેમણે કાર્યકર્તાઓને કર્યું હતું. સ્વામિનાથન આયોગના અહેવાલ પર નવ વર્ષ કૉંગ્રેસના નેતાઓ બેસી રહ્યા. શરદ પવાર અને ડૉ. મનમોહન સિંહ જેવા નેતાઓએ પણ કંઈ ન કર્યું અને હવે એ લોકો ખેડૂતોના મસીહા બનવા બેઠા છે. ઉત્પાદન ખર્ચ પર ૫૦ ટકા નફો દેવાની હિંમત મોદી સરકારે કરી અને તે માટે સરકારી તિજોરીમાંથી હજારો કરોડો રૂપિયા આપવામાં આવ્યા, આ વાત તમારે લોકોને જઈને કહેવાની છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્ર સ્તરે વિરોધપક્ષો એકત્ર થઈ રહ્યા છે, તે વાતની ઠેકડી ઉડાડતા તેમણે કહ્યું હતું કે દેવેગૌડા નાગપુરમાં, મુલાયમ સિંહ ધુળેમાં, મમતા બેનર્જી નંદુરબારમાં કે શરદ પવાર નાગાલૅન્ડમાં જઈને પ્રચાર કરશે તો શું ૫૦ માણસો પણ તેમને મત આપશે?, તેવો સવાલ તેમણે કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમના એક થવાથી ભાજપને કોઈ નુકસાન થશે નહીં. આ બધા નેતા પોતાના ક્ષેત્રના, તાલુકાના, રાજ્યના છે, પરંતુ આખા દેશનું નેતૃત્વ કરી શકે તેવા નેતા આપણી પાસે જ છે.