ગુજરાતમાં પણ મંત્રીઓ-અધિકારીઓનાં વાહનો પરથી લાલ લાઈટ દૂર કરાશે

વડાપ્રધાન-મંત્રીઓ-ઉ.અધિકારીઓના લાલ લાઈટ ન વાપરવાના નિર્ણયને રૂપાણીનો આવકાર

(સંવાદદાતા દ્વારા)   ગાંધીનગર, તા.૧૯

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા પંજાબની કોંગ્રેસ સરકારને પગલે વડાપ્રધાન તથા મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓના વાહનો ઉપર લાલ લાઈટ નહીં વાપરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આવકારી આગામી સમયમાં ગુજરાત સરકાર પણ તેનો સત્વરે અમલ કરશે તેવો નિર્દેશ આજે આપ્યો હતો. આમ તો જો કે સૌપ્રથમ કોંગ્રેસની પંજાબ સરકારે આ નિર્ણય જાહેર કર્યો હતો. જેમાં મંત્રીઓ-ઉચ્ચ અધિકારીઓના વાહનો પરથી લાલ લાઈટ દૂર કરવાનો અને લાલ લાઈટ નહીં વાપરવાની જાહેરાત કરાઈ હતી. તે બાદ આમ તો દરેક ક્ષેત્રે પોતાને આગવી અને અગ્રેસર સરકાર ગણાવતા ભાજપના કેન્દ્રના સત્તાધીશોએ દેખીતી રીતે જ પંજાબ સરકારને અનુસરતા હોય તેમ આજે કેન્દ્રીય કેબિનેટમાં લાલ લાઈટ નહીં વાપરવાનો નિર્ણય લીધો હતો. વડાપ્રધાન તથા કેન્દ્રીય મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓના વાહનો પર લાલ લાઈટ નહીં વાપરવાનો વડાપ્રધાને નિર્ણય લેતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેને આવકાર્યો હતોે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આજે મળેલ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોટરકાર પર લાલ લાઈટ નહીં વાપરવાનો જે નિર્ણય કરાયો છે તેનો ગુજરાત સરકાર પણ સત્વરે અમલ કરશે, તેમ તેમણે ઉમેર્યું છે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે લોકશાહીમાં આમ જનતા અને વડાપ્રધાન-મંત્રીઓ એક સમાન છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલ લોકશાહીને વધુ ઉજવળ કરતા આ નિર્ણયને ગુજરાત સરકાર અનુસરશે. કેન્દ્ર સરકારના નોટિફિકેશનનો અભ્યાસ કરીને સત્વરે ગુજરાત સરકાર દ્વારા પણ અમલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ગુજરાત સમગ્ર દેશમાં નવતર અભિગમો થકી દેશનું રોલ મોડલ બન્યું છે. તે જ રીતે આ નિર્ણયથી પણ ગુજરાત દેશને નવો રાહ ચિંધશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks