Site icon Gujarat Today

ઈનપુટ ટેક્સ ક્રેડિટ રિફંડ આપવાની માગણી

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
દિલ્હીમાં નાણામંત્રી પિયૂષ ગોયેલને રજૂઆત કરવા ગયેલા સુરતના ઉદ્યોગકારોએ આજે સંબંધિત સ્તરે રજૂઆતો કરી હતી.ત્યાર બાદ તેઓએ કન્દ્રીય અધિકારીઓને મળી આ અંગે ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો. કાપડ ઉદ્યોગના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર જીએસટી લાગુ થઇ ગયા બાદથી વિવર્સ સતત ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી રહ્યા છે. વીવર્સનું કહેવું એમ છે કે, યાર્ન પર ૧૨ ટકા ડ્યૂટી અને કાપડ પર પાંચ ટકા ડ્યૂટી હોવાથી પાંચથી સાત ટકા ડ્યૂટી તેમની ક્રેડિટ રહી જાય છે. સરકાર તે રિફંડ પરત કરતી નથી અને અમે અન્ય ડ્યૂટી ચૂકવવા માટે પણ તેનો ઉપયોગ કરી શકતા નથી. સુરત કાપડ ઉદ્યોગકારોનું આશરે પાંચસો કરોડ રૂપિયાનું રિંફંડ આ રીતે અટવાયું છે. સુરતના અલગ-અલગ વીવર્સ અસોસિએશનનો, ફોગવા, ચેમ્બર ઓફ કમર્સ સહિત અન્ય કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા સંગઠનોએ પોતપોતાની રીતે કેન્દ્ર સરકારમાં જીએસટી કાઉન્સિલ, નાણામંત્રી, પ્રધાનમંત્રી સહિત તમામ ઓથોરિટીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિફંડ આપવાની માંગ કરી હતી. જે અંગે બે અઠવાડિયા પહેલા જીએસટી કાઉન્સિલની મિટીંગમાં વિવર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિફંડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યા હતો, પરંતુ તેઓને શરૂઆતમાં એવી જાણ કરવામાં આવી હતી કે, વીવર્સનું ૨૭ જુલાઇ – ૨૦૧૮ સુધીનું રિફંડ બ્લોક થઇ જશે, જેમાં પાછળથી સુધારો આવ્યો અને તેમાં જણાવ્યું હતું કે, ૩૧ જુલાઇ – ૨૦૧૮ સુધીની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેપ્સ થઇ જશે. પરિપત્રમાં લેપ્સ શબ્દ આવતા કાપડ ઉદ્યોગકારો અકળાયા છે. તેમનું કહેવું છે કે લેપ્સ શબ્દની સ્પષ્ટતા થવી જોઇએ. અમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિફંડ મળશે કે અમે તને આગામી ટેક્સમાં એડજસ્ટ કરી શકીશું. વીવર્સએ આ સમસ્યા અંગે પાછલા અઠવાડિયે નાણાંમંત્રી પિયૂષ ગોયેલને રજૂઆત કરતા તેમણે કાપડ ઉદ્યાગકારોને દિલ્હી બોલાવ્યા હતા. જેના અનુસંધાને કાપડ ઉદ્યોગકારોને દિલ્હી માટે ગયા હતા. જ્યાં તેઓ નાણામંત્રી પિયૂષ ગોયેલ અને લીગલ સેલના અધિકારીઓને મળી રજૂઆતો કરી હતી.

Exit mobile version