રિલીફરોડ પર દોડાવવામાં આવતી AMTSની નિયમિત બસો બંધ કરાઈ

મ્યુનિ.તંત્રને AMTS કરતાં ખાનગી કોન્ટ્રાક્ટરોને કમાઈ આપવામાં રસ

અમદાવાદ, તા.૭

એક સમયે જંગી નફો રળી આપતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની આજે પરિસ્થિતિ કથળતી જઈ રહી છે.જેના કારણે શહેરના રિલીફરોડ ઉપરથી પસાર થતા અનેક રૂટોની બસો બંધ કરીને ખાનગી ઓપરેટરોને મીની બસો ચલાવવા માટે આપી દેવાની તંત્રને ફરજ પડી છે. આ અંગેની વિગત એવી છે કે, એક સમયે શહેરના રાજમાર્ગ એવા રિલીફરોડ પરથી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા રૂટ નંબર ૫૬, રૂટ નંબર-૧૨૨ સહીત બાપુનગરના રૂટોની બસો દોડાવવામાં આવતી હતી.આ બસો રિલીફરોડ પરથી કાલુપુર થઈ જે તે અંતિમ સ્ટેશન સુધી પહોંચતી હતી. પરંતુ સત્તાવાળાઓની ટુંકી દ્રષ્ટીના કારણે રિલીફરોડ પરથી પસાર થતી ૭ થી વધુ રૂટોની બસો બંધ કરી દેવામાં આવી છે. જેને લઈને દુર દુર સુધીના વિસ્તારોમાં પહોંચવા માંગતા કે ત્યાંથી રિલીફરોડ આવવા માંગતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ તંત્રને મુસાફરોની પડી નથી. તેમને તો ખાનગી ઓપરેટરો કે કોન્ટ્રાકટરો કેવી રીતે તગડો નફો મેળવે એમાં જ રસ હોઈ તેમણે આ રોડ ઉપર ખાનગી કોન્ટ્રાકટરને ભદ્રકાળી એકસપ્રેસ નામથી  બસ ચલાવવા માટે આપી દીધી છે. આ કોન્ટ્રાકટરોની મીની બસો સાવ ખાલી દોડી રહી છે. બીજી તરફ આ તકનો લાભ લઈને વીજળીઘરથી છેક કાલુપુર રેલવે સ્ટેશન સુધીના સમગ્ર રિલીફરોડ ઉપર શટલ રીક્ષા વાળા બેફામ ધંધો કરી રહ્યા છે. તેમની સામે ટ્રાફિક પોલીસ દ્વારા પણ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.જેને લઈને રિલીફરોડ પર જુની રિલીફ સિનેમા ચાર રસ્તા, ઘીકાંટા ચાર રસ્તા, રતનપોળ સહીતના તમામ વિસ્તારોમાં સતત ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત એએમટીએસના બજેટમાં ગત ફેબ્રુઆરી માસમાં ચેરમેન દ્વારા શહેરના ગાંઘીરોડ ઉપર બાલાહનુમાન એકસપ્રેસ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.જે આજે ૩ માસ પછી પણ શરૂ કરાવવામાં ચેરમેન અને તેમની કમિટીના સભ્યો સફળ રહ્યા નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts