(એજન્સી) શ્રીનગર, તા.૪
શ્રીનગર ભારતનું સૌથી વંચિત શહેર હોવાનું એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું. આ શહેરમાં પાણી સપ્લાય, કચરાના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા ન હોવા ઉપરાંત નગરમાં ઉદ્યાનોની ઓછી સંખ્યા, ઓછા ઝાડ-પાન હોવાનું જણાવવામાં આવ્યું હતું. શહેરમાં રોજગારીની પૂરતી તકો ઉપલબ્ધ નહીં હોવાનું પણ જણાવ્યું હતું. કેન્દ્ર સરકારના હાઉસિંગ અને શહેરી મંત્રાલય દ્વારા ઉક્ત અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. દેશની આઝાદી બાદ પોતાની પ્રકારના પ્રથમ અહેવાલમાં ૧૧૧ શહેરોની યાદીમાં શ્રીનગરનો ક્રમ ૧૦૦મો રહ્યો હતો. આ અહેવાલમાં ચાર પરિબળોને ધ્યાનમાં રાખી યાદી તૈયાર કરવામાં આવી હતી જેમાં ગર્વનન્સ, સામાજિક સુવિધાઓ, અર્થતંત્ર અને માળખાગત સુવિધાઓ ધ્યાનમાં લેવામાં આવી હતી. મંત્રાલયના સચિવ દુર્ગા શંકર મિશ્રાએ જણાવ્યું હતું કે રહેવા માટે સરળ મથાળા હેઠળ શહેરોની સ્થિતિ સમજવા આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. શહેરોને વધુ આધુનિક બનાવવાની દિશામાં યોજના ઘડવાના ઈરાદે આ યાદી તૈયાર કરવામાં આવી હતી. આ યાદીમાં શ્રીનગર સૌથી નબળું શહેર જાહેર કરવામાં આવ્યું હતું. તમામ શહેરોના સરેરાશ ૩૭.ર૩ ટકા સામે શ્રીનગરના ર૮.૧૯ પોઈન્ટ રહ્યા હતા.