ભરૂચ, તા.૪
ભરૂચના સોનેરી મહેલ ઢોળાવ રોડનો કેટલોક ભાગ રેલિંગ સાથે ધરાશાયી થતા વિપક્ષ પાલિકાની બેદરકારી સહિત ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહ્યો છે. તો પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ મરામત કામગીરી ચાલુ હોવાનુ અને આગામી દિવસોમાં દીવાલની કામગીરી પૂર્ણ કરાશે તેમ કહ્યું હતું.
ભરૂચમાં ગતરોજથી પુનઃ વરસાદી માહોલની જમાવટ થતા વરસેલા વરસાદથી સોનેરી મહેલ ઢોળાવ રોડ પરના રતનતળાવ બાજુનો ભાગ રેલિંગ સાથે અચાનક ધરાશાયી થઈ જતા ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો. જો કે સદ્નસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. બનાવની જાણ થતાં તાત્કાલિક પાલિકા તંત્રએ દોડી આવી યુદ્ધના ધોરણે પુરાણ સહિતની કામગીરી હાથ ધરી હતી. પરંતુ વિપક્ષી સભ્યોએ સમશાદઅલીએ પાલિકા તંત્ર દ્વારા મંજૂર થયેલ આ વોલ બનાવવામાં ભ્રષ્ટાચા આચરવામાં આવ્યો હોવાનું અને વોલની કામગીરી અન્ય ભાગમાં પૂર્ણ કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કર્યો હતો.
આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ ધવલ કનોજિયાએ પણ આ મુદ્દે વારંવાર રજૂઆત છતા પણ પાલિકા દ્વારા ધ્યાન આપવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ કર્યા હતા.
બનાવની જાણ થતા સ્થળ પર દોડી આવેલ પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ હાલમાં ધરાશાયી થયેલ ભાગમાં પુરાણ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જણાવી આગામી દિવસોમાં દિવાલની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવી રહ્યા હતા.