(એજન્સી) નવી દિલ્હી, તા.પ
પિતા સ્ટેડિયમની બહાર રિક્ષા ચલાવી રહ્યા હતા અને સ્ટેડિયમની અંદર પુત્ર ગોલ્ડ મેડલ જીતી રહ્યો હતો. આ ફિલ્મી વાર્તા નથી પરંતુ વાસ્તવિકતા છે કે દિલ્હીમાં રહેતો ૧૬ વર્ષનો નિસાર અહમદ શનિવારે આયોજિત દિલ્હી સ્ટેટ એથલેટિક્સમાં ૧૦૦ મીટર અને ર૦૦ મીટરની ડબલ સ્પ્રિંગ રેસમાં બીજો ગોલ્ડ મેડલ જીતી પોતાના માતા-પિતાનું માથું ગર્વથી ઊંચું કરી દીધું હતું. આ યુવાને નેશનલ અંડર-૧૬ની અગિયાર સેકંડમાં ૧૦૦ મીટરની રેસને ૦.૦ર સેકંડથી પણ ઓછા સમયમાં માત આપી દીધી.
દુઃખની વાત એ છે કે નિસારના માતા-પિતા પોતાના પુત્રની સ્પર્ધા નજરે નિહાળી શક્યા નહીં. રોજી-રોટી ચલાવવા માટે અહમદના પિતા મોહમ્મદ હક સ્ટેડિયમની બહાર રિક્ષા ચલાવી રહ્યા હતા અને માતા સફિકુન્નિસા ઘેર ઘેર જઈ વાસણ સાફ કરે છે. પરંતુ એ દિવસે ઈદના પ્રસંગે એ ઘરેલુ કામોમાં વ્યસ્ત હતા. અહમદનું કુટુંબ આઝાદપુરના બડા બાગની નજીક રેલવે ટ્રેકની પાસેની ઝૂંપડપટ્ટીમાં ૧૦ટ૧૦ના ઓરડામાં રહે છે.
નિસારના પિતાને પોતાના પુત્રની સફળતા પર ગર્વ છે. તે પોતાના પુત્રને મેડલ જીતતા જોવા ઈચ્છતા હતા. પરંતુ એ માટે એક દિવસ કામ બંધ કરવું પડતું જેના પરિણામે રાત્રે ઘરમાં ખાવા માટે ફાંફા મારવાની પરિસ્થિતિ સર્જાતી હતી. તેમણે જણાવ્યું કે લગભગ દોઢ વર્ષ પહેલાં મે મારા પુત્રને સ્પોર્ટની સામગ્રી ડાયેટ અને એથલેટિક્સ કારકિર્દી માટે ર૮,૦૦૦ રૂપિયાનું દેવું કર્યું હતું. જે હું અત્યાર સુધી ચૂકવી શક્યો નથી. માતા સફિકુન્નસીશા પોતાના પુત્રની સફળતાને શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી. પરંતુ એક માતાને આ વાતની તકલીફ છે કે તે પોતાના પુત્રને સારૂં ખાવાનું પણ ખવડાવી શકતી નથી. તે કહે છે કે જ્યારે પણ મારી પાસે થોડા પૈસા હોય છે તો હું નિસારને માવા, ફળ અને અઠવાડિયામાં એક દિવસ મીટ ખવડાવું છું. જે તેને ફિટ અને શક્તિશાળી બનાવી શકે.
અહમદે સરકારી શાળામાં ફિઝિકલ એજ્યુકેશન શિક્ષક સુરેન્દ્ર સિંહના નેતૃત્વમાં એથલેટિક્સની ટ્રેનિંગ લીધી છે. કોચ સુરેન્દ્ર અહમદને ઈન્ટર ઝોનલ ઈવેન્ટમાં લઈ ગયા. જ્યાં તેણે સ્પર્ધકોને સરળતાથી પછાડી દીધા એ પછી કોચ સુનિતા રાયના નેતૃત્વમાં છત્રસાલ સ્ટેડિયમમાં અહમદે ટ્રેનિંગ શરૂ કરી. સવારે પાંચ વાગ્યાથી ઊઠી અહમદ તીવ્રતાથી અભ્યાસ કરે છે. નિસારનું કહેવું છે કે આવી ઘણી બાબતો છે જે તેને પરેશાન કરે છે પરંતુ એથલેટિક્સ મને સંતુષ્ટ કરે છે અને મારો આત્મવિશ્વાસ પણ વધારે છે.
નિસારનું કુટુંબ આર્થિક તંગીમાં પસાર થઈ રહ્યું છે કુટુંબ માટે બે ટંક ભોજનની વ્યવસ્થા કરવી નાની વાત નથી. આવામાં નિસારના માતા-પિતા પોતાના પુત્રના સપના પૂરા કરવા માટે દરેક પ્રયાસો કરી છૂટે છે. પરંતુ જો નિસારને સરકારી સહાય મળે તો તે એથલેટિક્સમાં દેશનું નામ વિશ્વમાં ચમકાવી શકે છે.