Site icon Gujarat Today

ફોટોગ્રાફર રિયાઝ શેખની કેન્સરથી હાલત ગંભીર : નિઃસંતાન પત્ની નિરાધર બની

અમદાવાદ, તા.૧૧
અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં એડવાન્સ સિનેમાની સામે ભાડાના મકાનમાં રહેતા અને ફોટોગ્રાફી કરી જીવન નિર્વાહ ચલાવતા રીયાઝુદ્દીન નિઝામુદ્દીન શેખ ઉર્ફે બાબુભાઈ ફોટોગ્રાફર હાલ કેન્સરને કારણે જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હોવાથી તેમની પત્નીના માથે આભ તૂટી પડ્યું છે. આ દંપતિને કોઈ સંતાન ન હોવાથી તેમજ પત્નીની આવકનું કોઈ સાધન ન હોવાથી રીયાઝભાઈના મિત્ર ઝફર કાદરી હાલ મિત્ર ધર્મ નિભાવી આર્થિક અને શારીરિક રીતે મદદગાર થઈ રહ્યા છે.
બાબુભાઈ ફોટોગ્રાફરથી જાણીતા રીયાઝભાઈ શેખ લગ્નપ્રસંગે છૂટક ફોટોગ્રાફી કરી જીવન નિર્વાહ ચલાવતા હતા. છેલ્લા એકાદ મહિના અગાઉ જડબામાં દુખાવો થતા નિદાન કરાવતા જડબાનું કેન્સર હોવાનું બહાર આવ્યું હતું. આથી તેમને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલ કેન્સર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના જડબાનું ઓપરેશન કરયા બાદ કેન્સર હોસ્પિટલ વોર્ડ નં.૪ ખાટલા નં.૩ ખાતે સિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.
નિઃસંતાન દંપતિનો એકમાત્ર આધાર પથારીવસ હોવાથી તેમની પત્નીના માથે આભ તૂટી પડ્યું હતું અને તેમની આંખમાંથી આંસુ સુકાતા નથી. આથી રીયાઝભાઈના મિત્ર અને ફોટોગ્રાફર ઝફરભાઈ કાદરી તેમની વ્હારે આવી રમઝાન માસ હોવા છતાં મિત્રની મદદ કરાવાના નેક ઈરાદા સાથે હોસ્પિટલની ભાગદોડ કરવા સાથે રીયાઝભાઈના પત્નીને આર્થિક સહયોગ મળી રહે તે માટે સતત મહેનત કરી રહ્યા છે.
આ અંગે ઝફરભાઈ કાદરીએ જણાવ્યું છે કે રીયાઝભાઈની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે. આથી હું મિત્રો સગાસંબંધીઓ પાસેથી યથાશક્તિ મદદ પહોંચાડવાની કોશિશ કરી રહ્યો છું અને જે લોકો રીયાઝભાઈને મદદ કરવા ઈચ્છતા હોય તેઓ સીધા કેન્સર હોસ્પીટલમાં બીજા માળે વોર્ડ નં. ૪ ખાટલા નં.૩ ખાતે તથા મારો મોબાઈલ નં.૯૮૭૯૧૮૩૮૫૭ પર સંપર્ક કરી ગુગલ પે દ્વારા કે પેટીએમ મારફત ઉપરોક્ત નંબર મારફત નાણાં મોકલી શકે છે.

Exit mobile version