અમદાવાદ, તા.ર૫
શહેરના બિસ્માર રોડ રસ્તાઓ વિશે થયેલી પિટિશન પર આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણીમાં કોર્ટે આકરૂ વલણ દાખવ્યું હતું. કોર્ટે રિસરફેસિંગની મંજૂરી આપનાર અને રોડ રસ્તાનું મોનિટરીંગ કરનારના નામ રજૂ કરવા નિર્દેશ કર્યા છે તથા હાઈકોર્ટે રસ્તા બાબતે ફક્ત ગુલાબી ચિત્ર રજૂ ન કરો તેવો પણ નિર્દેશ આપ્યો હતો. આજે હાઈકોર્ટમાં રોડ-રસ્તા બાબતે થયેલી જાહેર હિતની સુનાવણીમાં કોર્ટે ખૂબ જ આકરૂ વલણ દાખવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લા એક સપ્તાહમાં રોડ રસ્તાઓ બાબતે રિસરફેસિંગની કામગીરી અને એફિડેવિટ કોર્ટમાં રજૂ કર્યું હતું. જો કે હાઈકોર્ટે અત્યાર સુધી થયેલી રોડ રસ્તાઓની રિસરફેસિંગની કામગીરી અંગે રિસરફેસિંગની તમામ વિગતોની માંગ કરી હતી તથા રિસરફેસિંગની કયા એન્જિનિયરે મંજૂરી આપી અને કયા અધિકારીએ રોડ મોનિટર કર્યો, કેટલા કિલોમીટર સુધીનું કામ થયું વગેરે કામ કરનાર અધિકારીઓના નામ સાથે સર્ટિફિકેશન થાય તેવી મ્યુનિસિપલ કોર્પોરેશનને તાકીદ કરી હતી. વધુમાં હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું કે રોડ રસ્તાનું કામ ક્વોલિટી કામ જ થવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે, વરસાદ બાદ શહેરમાં રોડ રસ્તાઓ બિસ્માર બન્યા હતા. જેથી વાહનચાલકો પરેશાન થતા હતા અને કેટલીક જગ્યાએ ખાડામાં પડવાથી મૃત્યુ પણ થયા હતા. આ બાબતે તંત્રની બેદરકારી સામે હાઈકોર્ટમાં જાહેરહિતની પિટિશન થઈ હતી. કોર્ટના સખત વલણને કારણે કોર્પોરેશને અડધા ડઝનથી વધુ અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા હતા. તેમ છતાં હાઈકોર્ટને સંતોષ ન થતાં આજે રોડ રસ્તા રિસરફેસિંગ કરતા અને મંજૂરી આપતા તથા મોનિટરીંગ કરતા અધિકારીઓના નામ સાથે સર્ટિફિકેશન કરી કોર્ટ સમક્ષ રજૂ કરવાની તાકીદ કરી હતી.