વેરાવળ, તા. ર૩
વેરાવળ-પાટણમાં પાલીકા તંત્ર દ્વારા ડહોળુ દૂષીત પીવાનું પાણી અનિયમિત સમયે વિતરણ કરાતુ હોવાથી લોકોમાં રોગચાળો ફાટવાની દહેશત ઉભી થઇ રહી છે. ત્યારે આ બાબતે સામાજીક કાર્યકર મણીભાઇ ડાંગોદરાએ ચીફ ઓફીસરને લેખીત ૫ત્ર પાઠવી ફીલ્ટર કરીને પાણી વિતરણ કરવા માંગણી કરી છે.
વેરાવળના સામાજિક કાર્યકર મણીભાઇ ડાંગોદરાએ ચીફ ઓફીસરને પાઠવેલ પત્રમાં જણાવેલ કે, વેરાવળ-સોમનાથ જોડીયા શહેરમાં પાલિકા તંત્રની અણઆવડતના કારણે અનિયમિત સમયે ડહોળુ દૂષીત પીવાનું પાણી વિતરણ કરાય છે. શહેરમાં પાણી વિતરણનું જાણે કોઇ ટાઇમ ટેબલ જ ન હોય તેમ દિવસ-રાતમાં ગમે તે સમયે વિતરણ કરાતું હોવાથી ગૃહણીઓને હાડમારી ભોગવવી પડે છે. હાલ જે પાણીનું વિતરણ કરાય છે તે સીઘુ ડેમમાંથી જ અપાતુ હોવાથી ડહોળુ અને દુષિત છે. ખરેખર પાલીકાએ સંપમાં શુઘ્ઘ કર્યા બાદ પાણીનું વિતરણ કરવુ જોઇએ જે પાલીકાની પ્રાથમીક ફરજમાં આવે છે. શહેરમાં કયાં વિસ્તારમાં કેટલા વાગે પાણી વિતરણ કરાશે તેવી કોઇ મહિતી પાલીકા તંત્ર લોકો સુઘી પહોચાડવાની તસ્દી તો લેતુ નથી ઉલ્ટાનું જયારે લોકો જાણકારી મેળવવા ફોન કરે તો જો હોઠ સાજા તો ઉતર જાજાની કહેવત મુજબ ફરજ પરના કર્મચારીઓ ઉડાવ જવાબ આપે છે. શહેરની વસતિ અને વ્યાપ વધ્યો છે. ત્યારે પાલીકા તંત્રએ પાણી વિતરણ વ્યવસ્થા વારંવાર ખોરવાય નહીં તેનું આગોતરૂ આયોજન કરવુ જોઇએ જેથી નિયમિત સમયસર પાણી વિતરણ થઇ શકે. ભુતકાળમાં અછતના સમયમાં પણ લોકોને એકાંતરા પાણી મળતુ હતુ પરંતુ વર્તમાન પાલીકાના શાસકોની અણઆવડત અને અણઘડ વહીવટના કારણે લોકોને પીવાનું પાણી મેળવવા ભારે હાલાકી ભોગવવી પડી રહેલ છે. શહેરને પુરૂં પાડતા ડેમમાંથી મોટાપ્રમાણમાં ઉદ્યોગો પાણી ઉપાડી રહ્યા હોય તે સંદતર બંધ થવુ જોઇએ. કારણ કે, આ પાણી પર લોકોને અબાધિત અધિકાર છે. શહેરમાં પાણી વિતરણ બાબતે અનેકવાર ફરીયાદો કરેલ હોવા છતાં સમસ્યા હલ કરવા તસ્દી લેવાતી નથી. ત્યારે આગામી દિવસોમાં શુધ્ધ ફીલ્ટર કરેલું પાણી વિતરણ નહીં કરવામાં આવે તો પાલિકાના જવાબદારો સામે ફોજદારી રાહે પગલા ભરવાની ફરજ પડશે તેવી ચિમકી અંતમાં ઉચ્ચારેલ છે.