વડોદરાના નવાપુરામાં રોગચાળો બેકાબૂ ઝાડા-ઉલ્ટીના વધુ આઠ કેસ નોંધાયા

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૯
શહેરના નવાપુરા વિસ્તારને રોગચાળાએ ભરડામાં લીધો છે. જેને ધ્યાનમાં રાખી છેલ્લા પાંચ દિવસથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સતત મોનીટરીંગ તેમજ જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે શીયાબાગ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના આઠ નવા કેસ મળતા તંત્ર ચોંકી ઉઠયું હતું. એક પછી એક વિસ્તારમાં રોગચાળાએ પગપેસારો કરતાં તંત્ર ગોટે ચઢ્યું હતું. શહેરના નવાપુરા વિસ્તારમાં આળેલા વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળાએ કહેર વર્તાવ્યો છે. અહીં પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે છેક ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ દોડી આવી હતી અને આરોગ્યલક્ષી કામગીરી નિરીક્ષણ કર્યું હતું. આ વચ્ચે અહીં આવેલ શિયાબાગના ભદડીયાવાસ, કેવડાબાગ, ખાટકીવાડ અને કુંભારવાડા જેવા વિસ્તારોમાં ઝાડા ઉલ્ટીના આઠ નવા કેસ નોંધાયા હતા. આ સાથે ઝાડા ઉલ્ટીના કેસનો સત્તાવાર આંક ૭૪ થયો છે. હાલ અહીં રોજે રોજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જરૂરી કામગીરી થતી હોવા છતાં રોગચાળો અટકવાના બદલે નવા કેસ નોંધાતા તંત્રમાં પણ સોપો પડી ગયો હતો. અસરગ્રસ્તોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેવી જ રીતે રોગચાળો અટકતો ન હોવાના પગલે હજુ પણ ક્યાંક ડ્રેનેજ અને પીવાના પાણીની લાઇનનું મિશ્રણ થતું હોવાનું અનુમાન વધુ દ્રઢ બન્યું છે. રોગચાળાના કારણે હવે આરોગ્યની સાથે હવે એન્જીનીયરીંગ વિભાગની ટીમો પણ કામે લાગી હોવાનું જાણવા મળ્યું હતું. નવાપુરા રોગચાળાએ સ્થિતિ એટલી ગંભરી કરી છે કે જમનાબાઇ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ ગઇ છે. અહીં જનરલ તેમજ અન્ય વોર્ડમાં વધારાના બેડ (ખાટલા) નાંખવાની ફરજ પડી હતી. હાલ નવાપુરા તેમજ અન્ય વિસ્તારોના ગરીબ-અસરગ્રસ્ત દર્દીઓને અહીં ખસેડવામાં આવી રહ્યાં છે. રોજ નવા કેસ ઉભા થતા દર્દીઓને પણ સારવાર કરવા તબીબોની ટીમ ખડે પગે રખાઇ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks