(એજન્સી) નવી દિલ્હી,તા.૧૧
દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા આશરે ૪૦ હજાર મુસ્લિમોનો દેશનિકાલ કરવાની યોજના અંગે ભારત બાંગ્લાદેશ અને મ્યાનમાર સાથે વાટાઘાટો કરી રહ્યું છે. ૧૯૯૦થી સતામણીના કારણે લાખો રોહિંગ્યાઓ બૌદ્ધ બહુમતિ ધરાવતાં મ્યાનમારથી બાંગ્લાદેશ ભાગી આવ્યા હતા, તેમાંથી કેટલાંક રોહિંગ્યાઓ હિન્દુઓની બહુમતિ ધરાવતાં ભારતમાં સરહદ પાર કરીને આવી ગયા હતા. નવી દિલ્હીએ જણાવ્યું કે ભારતમાં રહેતાં આશરે ૧૪ હજાર રોહિંગ્યાઓની નોંધણી યુએન રેફ્યુજી કેમ્પમાં થયેલી છે ને બાકીના લોકો ગેરકાયદેસર રીતે દેશમાં રહે છે, જેમને પરત મોકલવામાં આવે તેવી સંભાવના છે. ગૃહમંત્રાલયના પ્રવક્તા કે.એસ ધાતવાલિયાએ જણાવ્યું કે રાજકીય સ્તરે બાંગ્લાદેશ અને મ્યાનમાર બંને દેશો સાથે વાટાઘાટો ચાલી રહી છે. યોગ્ય સમયે આ મુદ્દો સ્પષ્ટ થઇ જશે. કિરણ રિજિજુએ બુધવારે સંસદભવનમાં કહ્યું હતું કે સંઘીય સરકારે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે જિલ્લા કક્ષાએ ટાસ્ક ફોર્સ નિમીને દેશમાં ગેરકાયદેસર રીતે રહેતાં વિદેશી નાગરિકોને પરત મોકલવામાં આવે. એમનેસ્ટી ઇન્ટરનેશનલે જણાવ્યું કે રોહિંગ્યાઓને તરછોડવા અને તેમનો દેશનિકાલ કરવો એ અયોગ્ય ગણાશે. સંયુક્ત રાષ્ટ્રોમાં આવેલ શરણાર્થીઓ માટેના ઉચ્ચાયુક્તની ભારતીય કચેરીએ કહ્યું કે તેઓ રોહિંગ્યાઓનો દેશનિકાલ કરવાની નવી દિલ્હીના યોજના અંગે તપાસ કરી રહ્યાં છે. શરણાર્થીઓનું ખૂબ જ ભારણ હોવાની ફરિયાદ કરનાર બાંગ્લાદેશના સરકારી અધિકારીએ જણાવ્યું કે આ કટોકટીનું નિવારણ લાવવામાં નવી દિલ્હી મદદ કરી રહ્યું હતું. ભારતમાં રોહિંગ્યાઓ મુખ્યત્વે જમ્મુ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, દિલ્હી, હૈદરાબાદ અને રાજસ્થાનમાં રહે છે.