રોહિંગ્યા મુસ્લિમો ગેરકાયદે જ્યારે ચકમા બૌદ્ધો અને હજોન્ગસ હિન્દુ શરણાર્થીઓને ભારતની નાગરિકતા અપાશે

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એક લાખ ચકમા અને હજોન્ગસ શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપશે. આ બન્ને જાતિના લોકો પાંચ દાયકાઓ પહેલાં પૂર્વ પાકિસ્તાન (હાલ બાંગ્લાદેશ)માંથી શરણાર્થી તરીકે આવ્યા હતા અને ઉત્તરપૂર્વ ભારતના કેમ્પોમાં વસવાટ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંગની અધ્યક્ષતા હેઠળ એક ઉચ્ચ કક્ષાની મીટિંગ યોજાઈ હતી જેમાં ચકમા-હજોન્ગસ શરણાર્થીઓનો મુદ્દો ચર્ચાયો હતો. આ મીટિંગમાં અરૂણાચલના મુખ્યમંત્રી પ્રેમા ખાડું, ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજીજુ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ પણ હાજર રહ્યા હતા. ર૦૧પના વર્ષમાં સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા હતા કે અરૂણાચલપ્રદેશમાં વસવાટ કરતાં ચકમા અને હજોન્ગસ શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવે. સુપ્રીમકોર્ટના આદેશની મીટિંગમાં ચર્ચા કરાઈ હતી. અધિકારીએ જણાવ્યું કે, અમારે સુપ્રીમકોર્ટના આદેશનું પાલન કરવું પડશે. અરૂણાચલપ્રદેશની અમુક સિવિલ સોસાયટીઓ અને સંગઠનો શરણાર્થીઓને નાગરિકતા આપવાનો વિરોધ કરી રહ્યા છે. એમના મતો આના લીધે પ્રદેશની સમગ્ર ભૌગોલિકતા જ બદલાઈ જશે. કેન્દ્ર સરકાર કોઈ યોગ્ય ઉકેલ શોધવા પ્રયાસ કરી રહી છે. એમનો પ્રસ્તાવ છે કે, ચકમા અને હજોન્ગસ શરણાર્થીઓને જમીન અને મિલકત ખરીદવાના અધિકારો ન આપવામાં આવે. એ ઉપરાંત પછાત આદિજાતિના દરજ્જાનો અધિકાર પણ ન અપાય. જો કે, એમને ઈનરલાઈન પરમિટ આપવામાં આવે જેથી એ ફકત અરૂણાચલપ્રદેશમાં મુસાફરી અને કામ કરવાનો અધિકાર ધરાવી શકશે. ચકમાઓ અને હજોન્ગસ મૂળ રીતે ચિત્તાગોંગ પહાડી વિસ્તારના રહેવાસી છે. જે પૂર્વ પાકિસ્તાનમાં આવેલ છે. એમણે પોતાનો દેશ ૧૯૬૦માં છોડયો હતો. ચકમાઓ બૌદ્ધો છે અને હજોન્ગો હિન્દુઓ છે. એમની ઉપર ધાર્મિક અત્યાચારો થયા હતા. જેથી એ લોકો ભારતમાં પ્રવેશ્યા હતા. અધિકારીઓની માહિતી મુજબ ૧૯૬૪-૬૯ સમયે એમની વસ્તી પ,૦૦૦ હતી જે હાલમાં વધીને ૧ લાખ થઈ ગઈ છે. હાલમાં એમને નાગરિકતા અપાયેલ નથી અને જમીન ખરીદવાના પણ અધિકારો નથી એમને રાજ્ય સરકાર મૂળભૂત સગવડો પૂરી પાડે છે. અરૂણાચલપ્રદેશે સુપ્રીમકોર્ટમાં ર૦૧પના વર્ષમાં અરજી કરી હતી પણ અરજી રદ થઈ હતી. એના પછી કેન્દ્ર અને રાજ્ય સરકારો ઉકેલ શોધવા પ્રયાસો કરતી હતી. ચકમા અને હજોન્ગ શરણાર્થીઓનો મુદ્દો એવા સમયે બહાર આવ્યો છે જ્યારે કેન્દ્ર સરકાર રોહિંગ્યા મુસ્લિમોને દેશ બહાર કરવા પ્રયાસો કરી રહી છે. જે મ્યાનમારની હિંસાને લીધે ભારતમાં આવેલ છે. રિજીજુ જે પોતે અરૂણાચલપ્રદેશથી સંબંધ ધરાવે છે. એમણે કહ્યું છે કે રોહિંગ્યાઓ ગેરકાયદેસર આવેલ વસાહતીઓ છે. એમણે કહ્યું કે, ભારતે દુનિયામાં સૌથી વધુ શરણાર્થીઓને સ્વીકાર્યા છે. સોમવારે જીનિવા ખાતે યોજાયેલ યુએન મીટિંગમાં ભારત સરકારની રોહિંગ્યા મુસ્લિમોને પાછા મ્યાનમાર મોકલવાના પ્રયાસની આલોચના કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks