મોતની ધમકી અને આગચંપી વચ્ચે જમ્મુના રોહિંગ્યા શરણાર્થીઓનું જીવન જોખમી અને અસુરક્ષિત

(એજન્સી)      જમ્મુ,તા.૧૯

બિઝનેસમેન તેમને મારી નાખવા માગે છે, રાજકીય પક્ષો તેમને હાંકી કાઢવા માગે છે અને પિટિશનર તેમને સુરક્ષાના ખતરા તરીકે જુએ છે. જમ્મુમાં રોહિંગ્યા શરણાર્થીઓ વિરુદ્ધ હાથ ધરવામાં આવેલ ભયાનક ઝુંબેશને જોઇને સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રવક્તાએ રોહિંગ્યા શરણાર્થીઓને વિશ્વમાં સંભવતઃ સૌથી મિત્રવિહીન લોકો તરીકે ગણાવ્યા છે. છેલ્લા કેટલાક સપ્તાહથી હિંદુવાદી કાર્યકરો, બિઝનેસમેન અને રાજકીય પક્ષો અત્રે મ્યાનમારમાંથી આવેલા રોહિંગ્યા શરણાર્થીઓને નિશાન બનાવી રહ્યા છે કે જેમાં મોટા ભાગના મુસ્લિમો છે. કેટલાકનું માનવું છે કે તેમની હાજરી એ જમ્મુની ડોગરા ઓળખ અને વસ્તીલક્ષી સ્વરુપ બદલવા માટે કાશ્મીર સ્થિત અલગતાવાદી અને પાકિસ્તાન તરફી કાર્યકરોએ ઘડેલી સાઝીશ છે. અન્ય કેટલાકનો દાવો છે કે રોહિંગ્યાને ગેરકાયદેસર રીતે આધારકાર્ડ જેવા સરકારી દસ્તાવેજો આપ્યા છે. રોહિંગ્યા શરણાર્થીઓને આમ એક બાજુ મોતની ધમકીઓ મળી રહી છે અને બીજી બાજુ તેમની વસાહતોને સળગાવવામાં આવી રહી છે ત્યારે આ રોહિંગ્યા શરણાર્થીઓ માટે જમ્મુમાં તેમનું જીવન જોખમી અને અસુરક્ષિત બની ગયું છે. તાજેતરમાં એવી અફવાઓ પણ વહેતી થઇ હતી કે રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓ પાસેથી આધાર કાર્ડ, રેશનકાર્ડ, મતદાર ઓળખપત્ર જેવા સરકારી દસ્તાવેજો મળી આવ્યા છે. આ વિવાદમાં બજરંગદળના સ્થાનિક એકમે પણ ઝૂકાવ્યું છે તેમના કન્વિનર રાકેશ શર્માએ જણાવ્યું હતું કે આમ પણ જમ્મુ અને કાશ્મીરમાં હિંદુઓ લઘુમતીમાં છે અને હવે જ્યારે જમ્મુમાં રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓને વસાવવામાં આવી રહ્યા છે ત્યારે જમ્મુમાં પણ હિંદુઓ લઘુમતીમાં મૂકાઇ જવાનું જોખમ વધ્યું છે. અમારી માગણી છે કે આ ગેરકાયદેસર વસાહતીઓને કોઇ પણ જાતના વિલંબ વગર હાંકી કાઢવામાં આવે. ૯ એપ્રિલના રોજ શરણાર્થીઓ દ્વારા એકત્ર કરાયેલ કચરાના ઢગમાં ધોળે દિવસે આગ ચાંપવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts