(એજન્સી) તા.૬
મ્યાનમારમાં લઘુમતી રોહિંગ્યા વંશીય જૂથોને નિશાન બનાવીને આચરવામાં આવતી હિંસાને રોકવામાં નિષ્ફળતા બદલ મ્યાનમાર સમગ્ર મુસ્લિમ જગતથી સખત આલોચનાનો સામનો કરી રહ્યું છે. વિશ્વભરમાં રોહિંગ્યા પર હિંસાનો વિરોધ સતત વધી રહ્યો છે. અત્યાર સુધી રાખીને રાજ્યમાં વધતી જતી હિંસાથી બચવા અંદાજિત ૧૨૩૬૦૦ રોહિંગ્યા મુસ્લિમો પડોશના બાંગ્લાદેશમાં નાસી ગયા છે એવું બાંગ્લાદેશ સ્થિત સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અધિકારીએ જણાવ્યું હતું.
આ હિંસા રોકવામાં મ્યાનમારની નિષ્ફળતા પર સમગ્ર મુસ્લિમ જગત ખફા છે. મલેશિયા, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ અને પાકિસ્તાન સહિત બહુમતી મુસ્લિમ વસ્તી ધરાવતા રાષ્ટ્રના નેતાઓએ મ્યાનમાર સરકાર પર દબાણ લાવવાના પ્રયાસો તેજ કર્યા છે. મલેશિયાના વિદેશ પ્રધાને મ્યાનમારના રાજદૂતને બોલાવીને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. ઇન્ડોનેશિયાના વિદેશ પ્રધાન રેટનો માર્શુદીએ પણ મ્યાનમારના નેતા આંગ સાન સુ કી સાથે સોમવારે વાતચીત કરી હતી.
માર્શુદી બાંગ્લાદેશના પોતાના સમકક્ષને ઢાકામાં મંગળવારે મળવાના હતા. ઇન્ડોનેશિયા માત્ર વૈશ્વિક મુસ્લિમ વતી ચિંતા વ્યક્ત કરતંુ નથી પરંતુ એશિયન (એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ) પર ચિંતા વ્યક્ત કરી રહ્યું છે એવું સિડનીની લોવી ઇન્સ્ટીટ્યૂટ ખાતેના રીસર્ચ ફેલો હર્વે લેમાહીઉએ જણાવ્યું છે.
મુસ્લિમ જગતના વિરોધાભાસમાં પશ્ચિમના નેતાઓએ હજુ આ મુદ્દે મજબૂત રજૂઆત કરી નથી. પશ્ચિમ જગતનું ધ્યાન હાલ ઉત્તર કોરિયામાં અણુ મડાગાંઠ પર કેન્દ્રીત છે. બીજી બાજુ ખાસ કરીને પશ્ચિમના રાષ્ટ્રોમાં લોકો આંગ સાન સુ કીના અભિયાન પ્રત્યેના પ્રેમ અને આ રક્તરંજિત વાસ્તવિકતા વચ્ચે દ્વિધામાં છે. મ્યાનમાર સરકાર હિંસા શરૂ થવા પાછળ આતંકીઓને જવાબદાર ગણે છે. રોહિંગ્યાના આતંકીઓએ બે સપ્તાહ પૂર્વે સરહદી ચોકી પર કરેલા આક્રમણમાં ૧૨ સુરક્ષા અધિકારીઓને મારી નાખ્યા હતા એવું સ્ટેટ મીડિયા દ્વારા જણાવાયું હતું.
મુસ્લિમ લઘુમતીઓ સાથે સમર્થન અને એકતા વ્યક્ત કરવા ચેચેન્યા રિપબ્લિકના પાટનગર શહેર ગ્રોન્ઝીમાં ૧૦૦૦૦ જેટલા લોકોએ એક રેલી યોજી હતી. પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા મોહમ્મદ આસિફે પણ અવિરત હિંસા પર ઊંડો ખેદ અને વ્યથા વ્યક્ત કર્યા છે. અફઘાન તાલિબાનોએ પણ ટેલિગ્રામ એપ પર પોતાની ચેનલનો ઉપયોગ કરીને રક્તપાત વિરુદ્ધ નિવેદન જારી કર્યું છે.