નવી દિલ્હી, તા.૩૦
પીએનબી કૌભાંડનાં માસ્ટરમાઇન્ડ મેહુલ ચોક્સીને જલદી ભારત લાવવામાં આવશે. ૧૩૪૦૦ કરોડ રૂપિયાનાં પીએનબી કૌભાંડનાં આરોપી મેહુલ ચોક્સી પર હવા, પાણી અને જમીન પર રોક લગાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઇ છે. હવે મેહુલ ચોક્સીની એન્ટિગુઆમાં જ ધરપકડ કરવામાં આવશે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ભારતીય હાઈકમિશનની આજે એન્ટિગુઆ અને બારબુડા સરકાર સાથે બેઠક થશે. આ બેઠકમાં મેહુલ ચોક્સી મુદ્દે ચર્ચા થશે. ભારતે પહેલા જ એન્ટિગુઆ ઑથોરિટી સાથે મેહુલ ચોક્સીનાં ઠેકાણાઓની જાણકારી માંગી છે. આ પહેલા ઇન્ટરપોલે મેહુલ ચોક્સી એન્ટિગુઆમાં હોવાની જાણકારી આપી હતી. જેમાં એ વાત પણ સામે આવી હતી કે તેની પાસે એન્ટિગુઆનો પાસપોર્ટ છે અને ત્યાંની નાગરિકતા પણ છે. મેહુલ ચોક્સીની ધરપકડ પહેલા ભારતીય તપાસ એજન્સિઓ તેની ગતિવિધિઓને રોકવા ઇચ્છે છે. આ માટે તેમણે એન્ટિગુઆ અધિકારીઓને અનુરોધ કર્યો છે. ભારતીય તપાસ એજન્સિઓએ એન્ટિગુઆ સરકારને હવા, પાણી અને જમીનનાં રસ્તે મેહુલ ચોક્સીની આવ-જાવ પર રોક લગાવવાનું કહ્યું છે. તો એન્ટિગુઆ અને બારબુડનાં પ્રધાનમંત્રી ગૈસ્ટન બ્રાઉને કહ્યું કે ભારત સરકારે હજુ સુધી ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને લઇને તેમની સાથે કોઇ સંપર્ક નથી કર્યો. તેમણે આ મુદ્દે સંપૂર્ણ સહયોગ આપવાનો દાવો કર્યો છે.