રોઝદાર રિક્ષાચાલકને પોલીસે માર મારતાં બબાલ : પથ્થરમારો-વાહનોના કાચ તૂટ્યા

સરખેજમાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં ચક્કાજામ

અમદાવાદ, તા.૧૪

શહેરના સરખેજ વિસ્તારમાં રોઝો રાખનારા રિક્ષા ચાલક યુવકને પોલીસે માર મારતા મામલા ગરમાયો હતો. જેને પગલે રોષે ભરાયેલા રિક્ષા ચાલકોએ સરખેજ ચોકડી રોડ પર ચક્કાજામ કરી દેતા ટ્રાફિકજામ થઈ ગયો હતો.

ત્યારબાદ લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કરતા મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં કેટલાક વાહનોના કાચ પણ તૂટી ગયા હતા.  પ્રાપ્ત વિગતો મુજબ સરખેજ ચોકડી પાસે ટ્રાફિકની સમસ્યાને લઈને ટ્રાફિક હટાવવા માટે ટ્રાફિક જવાને રિક્ષા ચાલકને હટાવવાનું કહ્યું હતું. તે મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા ટ્રાફિક જવાને રોજદાર રિક્ષા ચાલકને માર માર્યો હતો. પવિત્ર રમઝાન માસમાં રોઝદાર યુવકને પોલીસે  માર માતા રોષની લાગણી પ્રવર્તી હતી. જેથી મોટી સંખ્યામાં રિક્ષાચાલકો અને સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ પોલીસની માફીની માગ સાથે રસ્તો ચક્કાજામ કરી દેતા વાહનોની લાંબી લાંંબી લાઈનો લાગી ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને પોલીસના ધાડેધાડા ઘટના સ્થળે ઉતારવામાં આવ્યા હતા.  ત્યારે પરિસ્થિતિ તંગ બનતા લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. ત્યારે પોલીસે પરિસ્થિતિ થાળે પાડવા લાઠીચાર્જ કર્યો હતો. તદ્‌ઉપરાંત પોલીસે સરખેજના કેટલાક રહેઠાણ વિસ્તારોમાં ઘૂસીને વાહનોને નુકસાન કર્યુ હતું. જો કે મામલો ગરમાતા લોકોના ટોળાએ પથ્થરમારો કરતા રોડ પર ઉભેલી બસ, ટ્રક,  કાર અને રિક્ષાના કાચ તૂટી ગયા હતા. થોડા સમયમાં પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવી ચક્કાજામ રોડ ફરી શરૂ કરાવ્યો હતો. સમગ્ર મામલે સરખેજ પોલીસે રાયોટીંગનો ગુનો નોધવા તજવીજ હાથ ધરી છે.

 

અમદાવાદ શહેરના સરખેજ-સાણંદ ચોકડી નજીક બુધવારે સવારે કોઈ કારણસર પોલીસે એક રિક્ષાચાલકને માર મારતાં રિક્ષાચાલક બેભાન જેવો થઈ ગયો હતો. આ રિક્ષાચાલક રોઝાની હાલતમાં હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં રિક્ષાચાલકો જમા થઈ ગયા હતા અને રસ્તાઓ વચ્ચે જ રિક્ષાઓ મૂકી ચક્કાજામ કરી દીધો હતો. પરિણામે રસ્તાની બંને તરફ વાહનોની લાંબી કતારો જામી હતી. ત્યારબાદ પોલીસે ૪૦થી વધુ રિક્ષાઓ ડિટેઈન કરી પોલીસ સ્ટેશનમાં જમા કરી રિક્ષાઓ પર રોષ ઉતારી તમામ રિક્ષાઓના કાચ તોડી નાખી ભારે નુકસાન કર્યું હતું. પોલીસને આટલેથી સંતોષ ન થતાં આસપાસની સોસાયટીઓમાં ઘૂસી જઈ આઈસર, બાઈક અને રિક્ષાઓમાં તોડફોડ કરી દહેશતનો માહોલ ઊભો કરી દીધો હતો. આ અંગે આરીફ સૈયદ નામના રિક્ષાચાલકે જણાવ્યું હતું કે મારી રિક્ષા સાઈડમાં પાર્ક કરેલી હતી તેમાં પણ પોલીસે તોડફોડ કરી હતી ત્યારે આની ભરપાઈ કોણ કરશે. સ્થાનિક લોકોએ પોલીસને મોબાઈલમાં વીડિયો બતાવ્યો હતો કે ખાનગી વાહનોમાં હેલમેટ પહેરી અને મોઢે રૂમાલ બાંધી આવેલા કેટલાક લોકોએ તોડફોડ કરી હતી અને ઘટનાને મોટું સ્વરૂપ આપી મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આથી આખી આ ઘટના પૂર્વઆયોજિત હોય તેમ મનાઈ રહ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks