‘ઘર વાપસી’ પીડિતો સાથે શીખ ફોર જસ્ટિસની અમેરિકન કોર્ટમાં અરજી
(એજન્સી) ન્યુયોર્ક,તા.૪
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની (આરએસએસ) ઘર વાપસી ઝુંબેશના ભોગ બનેલાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ર૦૧૪માં ભાજપ સત્તારૂઢ થયા બાદ તેના વૈચારિક ગુરૂ અને માર્ગદર્શક આરએસએસ તેમના પરિવારોને બળજબરીપૂર્વક હિન્દુ ધર્મ અંગીકાર કરવાની ફરજ પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે.
અમેરિકા સ્થિત માનવ અધિકાર અને વકીલ મંડળ શીખ ફોર જસ્ટિસ પણ અમેરિકાની અદાલતમાં આરએસએસ સામે કાનૂની દાવો કરવામાં અસરગ્રસ્ત લોકોમાં જોડાયું છે, જેણે આરએસએસને આતંકી જૂથ જાહેર કરવાની માંગણી કરી છે. ત્રણ ભારતીય નાગરિકોએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા બળજબરીપૂર્વક હિન્દુ ધર્મમાં ધર્માંતરણ કરાવ્યાનો આક્ષેપ કર્યો છે. તેઓ આરએસએસ વિરૂદ્ધની શીખ ફોર જસ્ટિસની અરજીમાં પક્ષકાર તરીકે જોડાયા છે. સુધારેલી ફરિયાદ ખ્રિસ્તી, મુસ્લિમ અને શીખ લઘુમતી જૂથના અનુક્રમે સભ્ય માઈકલ માસિહ, હાસિમ અલી અને કુલવિંદરસિંહ દ્વારા એસએફજે સાથે દાખલ કરવામાં આવી છે અને આરએસએસ માટે આતંકી જૂથના લેબલની માંગણી કરી છે. જજ લૌરા ટેયલર સ્વેન દ્વારા દાખલ કરવામાં આવેલી આ ફરિયાદમાં યુએસ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રિડમના (યુએસસીઆઈઆરએફ) ર૦૧પના અહેવાલને ટાંકવામાં આવ્યો છે. આ અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે ડિસેમ્બર ર૦૧૪માં જાણીતા હિન્દુ રાષ્ટ્રવાદી જૂથોએ પોતાના ‘ઘર વાપસી’ કાર્યક્રમના ભાગરૂપે ઉત્તરપ્રદેશમાં ઓછામાં ઓછા ૪૦૦૦ ખ્રિસ્તી અને ૧૧૦૦ મુસ્લિમ પરિવારોને બળજબરીપૂર્વક ફરીથી હિન્દુ ધર્મમાં ધર્માંતરણ કરાવવા કાર્યક્રમની જાહેરાત કરી હતી.
શીખ ફોર જસ્ટિસના કાનૂની સલાહકાર ગુરપતવંતસિંહ પાન્નુને જણાવ્યું હતું કે પુરાવા અને યુએસસીઆઈઆરએફના તાજેતરના અહેવાલના આધારે ઓબામા વહીવટીતંત્ર આરએસએસ જેવા સંગઠનોને આતંકી જૂથ તરીકે જાહેર કરવા કાનૂની રીતે બંધાયેલ છે.