ભાજપ શાસિત મધ્યપ્રદેશમાં પોલીસે RSSના પ્રચારકની જ ધોલાઈ કરી

ભોપાલ,તા.૨૭

મધ્યપ્રદેશમાં પોલીસ કર્મીઓ દ્વારા આરએસએસના એક પદાધિકારીની મારપીટ કરવામાં આવતા વિવાદ છેડાયો છે. સોશિયલ મીડિયા પર કોમવાદી રીતે સંવેદનશીલ ટિપ્પણી પોસ્ટ કરવાના આરોપસર આરએસએસના આ પદાધિકારીની અટકાયત કરાયા બાદ પોલીસ કર્મીઓએ તેમની મારપીટ કરી હોવાનો આક્ષેપ થયો છે.

મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાના બાયહર સબડિવીઝનમાં આ ઘટના ઘટી હતી. આરએસએસના જિલ્લા પ્રચારક સુરેશ યાદવની ફરિયાદના આધારે એએસપી સહિત છ પોલીસ કર્મીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો અને અતિક્રમણ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. બાયહર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેકટર ઝિયા ઉલ હકને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

બાલાઘાટના ઇન્સ્પેકટર જનરલ ડી.જી.સાગરે જણાવ્યું હતું કે, લઘુમતી કોમના એક યુવાને રવિવારે રાત્રે પોલીસને એવી ફરિયાદ કરી હતી કે એક વ્યક્તિએ સોશિયલ મીડિયાની સાઈટ પર કેટલીક કોમ વિરુદ્ધ ઉશ્કેરણીજનક કોમેન્ટ પોસ્ટ કરી છે. આ યુવાનની ફરિયાદના આધારે પોલીસે યાદવ નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી અને તેને બાયહર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. આ યાદવે આરએસએસના જિલ્લા પ્રચારક છે.

પોલીસે સુરેશ યાદવની અટકાયત કર્યા બાદ પોલીસ સ્ટેશનની બહાર એક મોટંુ ટોળું એકત્ર થયું હતું અને યાદવની ધરપકડ સામે વિરોધ દેખાવો કર્યા હતા. આ ટોળાએ એક પોલીસ વાહનમાં તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતું તેમજ આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટરને ધક્કે ચડાવ્યા હતા. વિરોધ કરી રહેલા દેખાવકારોએ એવો દાવો કર્યો હતો કે પોલીસ સ્ટેશનની અંદર સુરેશ યાદવની મારપીટ કરવામાં આવી છે. દેખાવકારોની માંગણી પર બાયહરના એએસપી રાજેશ શર્મા, ઇન્સ્પેક્ટર ઝિયા ઉલ હક અને સબ ઇન્સ્પેક્ટર અનિલ અજમેરા તેમજ અન્ય ત્રણ પોલીસ કર્મીઓ અને બે યુવાનો સામે હત્યાના પ્રયાસ અને અતિક્રમણનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આઈએસ સાગરે જણાવ્યું હતું કે અમારો હેતુ ખાસ કરીને તહેવારો દરમિયાન શાંતિ જાળવવાનો અને તંગદિલી નિવારવાનો છે. સુરેશ યાદવને સારવાર અર્થે જબલપુર ખસેડવામાં આવ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts