RSSના ઈતિહાસ પાંખની માંગ : તાજમાં નમાઝ પર પ્રતિબંધ મૂકો અથવા શિવચાલીસાની પરવાનગી આપો

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
તાજમહેલ પર પાછલા કેટલા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. વિવાદ વચ્ચે ગુરૂવારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજમહેલની મુલાકાત લીધી હતી. યોગીની મુલાકાત પહેલાં તાજમહેલમાં શિવચાલીસાના મંત્રીઘોષ કરવામાં આવતાં વિવાદ ઊભો થયો હતો. તાજેતરમાં હિન્દુ યુવાવાહિનીના સભ્યો દ્વારા તાજમહેલમાં શિવચાલીસાના મંત્રોચ્ચાર કરવામાં આવ્યા બાદ વિવાદમાં વધારો થયો હતો. હવે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ઈતિહાસ વિંગે અખિલ ભારતીય ઈતિહાસ સંકલન સમિતિએ માંગ કરી છે કે, તાજમહેલમાં શુક્રવારે થતી નમાઝ પર પ્રતિબંધ મૂકવામાં આવે. આરએસએસના હિસ્ટ્રી વિંગે કહ્યું કે, તાજમહેલમાં નમાઝ પર પ્રતિબંધ મૂકો અથવા શિવચાલીસાના મંત્રોચ્ચારની પણ પરવાનગી આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે, તાજમહેલ શુક્રવારે નમાઝના કારણે બંધ રાખવામાં આવે છે. આરએસએસના હિસ્ટ્રી વિંગનું કહેવું છે કે તાજમહેલ એક રાષ્ટ્રીય સંપત્તિ છે તો તેનો મુસ્લિમોના ધાર્મિક સ્થળ રૂપે ઉપયોગ કરવાની પરવાનગી શા માટે આપવામાં આવે છે. સાથે જ તેણે કહ્યું કે જો મુસ્લિમોને ત્યાં નમાઝ પઢવાની પરવાનગી આપી શકાય તો હિન્દુઓને શિવચાલીસાનો મંત્રોચ્ચાર કરવાની પણ પરવાનગી આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ભાજપ નેતા કહી ચૂક્યા છે કે, તાજમહેલ હિન્દુ રાજાઓએ બનાવડાવ્યો હતો અને તે તેજોમહેલ તરીકે જાણીતો હતો. જેને પછીથી શાહજહાંએ કબ્રસ્તાનમાં તબદીલ કરી નાંખ્યો હતો. ભાજપ નેતા તેને ભૂતકાળનું શિવમંદિર ગણાવે છે. આરએસએસના હિસ્ટ્રી વિંગે કહ્યું કે, અમે આ બાબતના પુરાવા એકઠા કરી રહ્યા છીએ જેને અમે પછીથી સૌની સમક્ષ રજૂ કરીશું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks