(એજન્સી) ભોપાલ, તા.૧ર
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ગુરૂવારથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ત્રણ દિવસીય અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક શરૂ થઈ રહી છે. બેઠક પહેલાં સંઘે રાહુલ ગાંધીના નિવેદન પર આકરા પ્રહારો કર્યા. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં (આરએસએસ) મહિલાઓને સ્થાન ન આપવાના પ્રશ્ન પર સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ મનમહોન વૈદ્યે જવાબ આપ્યો અને કહ્યું કે રાહુલની સ્ક્રિપ્ટ લખનારા સમજદાર નથી. આ તો તદ્દન એવી વાત થઈ પુરૂષ હોકી મેચમાં મહિલા ખેલાડીને જોવા જેવી. શારદા વિહાર શૈક્ષણિક સંસ્થામાં શરૂ થઈ રહેલી સંઘની ત્રણ દિવસીય અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠકની વિગતો આપતી વખતે પૂછાયેલા પ્રશ્ન પર વૈદ્યે કહ્યું, રાહુલ ગાંધીએ પ્રશ્ન કર્યો છે કે, શું સંઘમાં મહિલાઓ જોવા મળે છે તેમના આ પ્રશ્નથી એ જાણકારી નથી મળતી કે તેમને સંઘની ચિંતા છે કે મહિલાઓની. તે સંઘની નહીં, પોતાની પાર્ટીની ચિંતા કરે. તેમણે કહ્યું કે, સંઘ ફકત પુરૂષોની વચ્ચે કામ કરે છે પરંતુ સંઘની જાહેર તપાસના કામમાં મહિલાઓ મદદ કરે છે. સંઘ પરિવારને જોડે છે. મહિલાઓ વાતાવરણના નિર્માણનું કામ કરે છે. રાહુલ ગાંધીએ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન સંઘ પર પ્રહાર કરતાં હાજર લોકોને પ્રશ્ન કર્યો હતો કે તમે સંઘની શાખામાં મહિલાઓને કયારેય ખાખી ચડ્ડા પહેરેલી જોઈ છે. રાહુલના આ પ્રશ્નનો જવાબ આપતાં વૈદ્યે કહ્યું કે, સંઘે નક્કી કર્યું હતું કે તે ફકત પુરૂષોની વચ્ચે કામ કરશે આ નક્કી કરવાનો અધિકાર સંઘને છે. જો તેમણે મહિલાઓને જોવી છે તો તેઓ મહિલા હોકી મેચ જોવા જાય. વૈદ્યે વધુમાં ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીનું નામ લીધા વગર કહ્યું. તેમના દાદી અને પિતા જ્યારે સત્તમાં હતા તો સંઘને નબળું પાડવાની કોશિશ કરી, પરંતુ કંઈ પણ ના થયું, સંઘ વધારે મજબૂત થયું. સંઘ આગળ વધતું ગયું અને તેમનો (કોંગ્રેસ) જનાધાર ઓછો થતો ગયો.