શું મુસ્લિમ એનજીઓ પણ નાના પાયે ફિલ્મ ફેસ્ટીવલ દરેક જિલ્લામાં યોજી મુસ્લિમ નેતાઓ અને રાજાઓનું આઝાદીની ચળવળમાં યોગદાન તેમજ બિનસાંપ્રદાયિક નેતાઓના સફળ શાસન અંગે લોકોને માહિતગાર કરશે ? જો આજે આંખો નહીં ઉઘાડો તો આવતીકાલે કદાચ ખૂબ જ મોડું થઈ ગયું હશે !
(એજન્સી) તા.૭
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રવાદ અને ભારતીય લોકનીતિનો પ્રચાર કરવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોલકાતામાં ટૂંકી ફિલ્મોના ઉત્સવનું આયોજન કરશે. ભારતીય લોકનીતિના મહત્ત્વપૂર્ણ અંગ હિન્દુત્વ અંગે લોકોની વધતી જતી જાગૃતતા મુખ્ય હેતુ હશે તેમ RSSના સૂત્રોએ જણાવ્યું હતું. મનુષ ચાઈ શિર્ષક ધરાવતા આ ઉત્સવના વિષયવસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. દક્ષિણ બંગાળના RSS પ્રાંત પ્રચાર પ્રમુખ વિપ્લવ રોયે કહ્યું કે આ ઉત્સવની પ્રેરણા સ્વામી વિવેકાનંદની આદર્શ માનવતા પરથી મળી છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં અમે ફિલ્મોની રજૂઆત કરવા કહ્યું હતું અને અત્યાર સુધીમાં અમને પ૦ જેટલી અરજીઓ મળી છે. ૩૧ માર્ચ સુધી ફિલ્મોની રજૂઆત કરી શકાશે તેમ તેમણે જણાવ્યું હતું. આ ઉત્સવનું આયોજન RSSની મીડિયા પાંખ વિશ્વ સમવાદ કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું છે અને આ ઉત્સવ એપ્રિલ મહિનામાં યોજાવાની શક્યતા છે. દરેક ફિલ્મ ૧૦ મિનિટની હશે. ફિકશન, નોન ફિકશન, એનિમેશન, ડ્રામા અને ડોક્યુડ્રામા જેવી વિવિધ શ્રેણીઓમાં વિજેતાઓની પસંદગી માટે નિર્ણાયકો પણ હશે. વિજેતાઓને નાણાકીય પુરસ્કાર મળે તે અંગે પણ અમે વિચા કરી રહ્યા છીએ તેમ સૂત્રોએ જણાવ્યું હતું. RSSના સૂત્રોએ જણાવ્યું કે મુખ્ય હેતુ બંગાળના લોકોને તે યાદ અપાવવાનો છે કે મુખ્ય પ્રવાહની ફિલ્મોમાં જેવી ભારતીય લોકનીતિ દર્શાવાય છે તે સાચી નથી. આ અંગે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા ગૌતમ ઘોષે કહ્યું કે ફિલ્મની સામગ્રી લોકશાહી અને બંધારણના નિયમોનું પાલન કરતી હોય તો આ ઉત્સવમાં કંઈ ખોટું નથી. સફળ દિગ્દર્શક મૈનાક ભૌમિકે કહ્યું કે, ભારતીય સિનેમામાં નૈતિકતાની જટિલતા હોય જ છે. તે હંમેશાં જોવાનંુ રહે છે કે ઉત્સવની સામગ્રી ધર્મનિરપેક્ષતાની વિરૂદ્ધ તો નથી. ઉત્સવમાં ફિલ્મના શૂટિંગમાં સ્માર્ટ ફોન જેવા ડિજિટલ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ તે બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવશે.