અમદાવાદ, તા.૧૦
નવા શૈક્ષણિક સત્રથી રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ રાજયની શાળાઓમાં સમાજના ગરીબ અને નબળા વર્ગના બાળકો માટે ૨૫ ટકા અનામત બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા સરકારના સત્તાવાળાઓ હાથ ધરનાર છે ત્યારે આ વર્ષે શિક્ષણ સત્તાધીશોએ પ્રવેશના નિયમો સહેજ વધુ કડક અને આકરા બનાવ્યા છે ખાસ કરીને વાલીઓએ તેમના સંતાનો કે બાળકો આ કાયદા હેઠળ પ્રવેશ મેળવવા પાત્ર ઠરે છે તેવું પુરવાર કરવા અને તેઓ સમાજના નબળા અને જરૂરિયાતમંદ વર્ગમાં સમાવિષ્ટ હોવાના વીજબીલ, ટેલિફોન બીલ સહિતના અધિકૃત દસ્તાવેજો પણ રજૂ કરવાના રહેશે. સુખી સંપન્ન અને અમીરવર્ગના સંતાનો પણ બોગસ પુરાવાઓના આધારે આરટીઇ એકટ હેઠળ ગરીબોના હક્કની આ ૨૫ ટકા બેઠકો બેઠકો પર પૈસા બચાવવાના બદઇરાદાથી પ્રવેશ મેળવી જાય છે તેવી ગત વર્ષે ઉઠેલી વ્યાપક ફરિયાદો અને ધ્યાન પર આવેલા કેટલાક કિસ્સાઓની ગંભીર નોંધ લઇ શિક્ષણ સત્તાવાળાઓએ આ વખતે નિયમો વધુ ચુસ્ત અને અસરકારક બનાવવાનું આયોજન કર્યું છે. જેમાં શિક્ષણ સત્તાધીશો એ વાતની ખરાઇ કરશે કે, તેમનું રહેઠાણ કયાં છે ? ભાડાનું મકાન છે કે પોતાનું, તેમની આવક કેટલી છે ? મકાનમાં બાંધકામનો વિસ્તાર કેટલો છે, ઘરમાં એસી, ફ્રીઝ, ટીવી, વોશીંગ મશીન સહિતની સુવિધાઓ છે કે કેમ, ઘરનું લાઇટ બીલ, મોબાઇલ, ટેલિફોન બીલ, ઘરના સભ્યોની સંખ્યા, બાળકોની સંખ્યા, અન્ય શાળામાં ભણતા ઘરના અન્ય સંતાનોની વાર્ષિક ફી, વાલીનો નોકરી-ધંધો કે વ્યવસાય, વાલીની શૈક્ષણિક લાયકાત, તેના પગારનું સર્ટિફિકેટ, પાન નંબર, આવકના દાખલા માટે રજૂ કરેલા પુરાવા, આઇટી રિટર્ન ભરતા હોય તો તેની નકલ, બીપીએલ કાર્ડ સહિતની ઢગલાબંધ માહિતીઓ અને દસ્તાવેજો સત્તાવાળાઓ દ્વારા માંગવામાં આવશે. જો વાલીઓ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓ કે દસ્તાવેજો શંકાસ્પદ જણાશે તો, શિક્ષણ સત્તાવાળાઓ તેની ઝીણવટભરી તપાસ કરી તેની ખરાઇ કરશે, આ માટે જરૂર પડયે તેઓ વાલીઓના ઘરની કે સ્થળ તપાસ હાથ ધર્યા બાદ પૂરતી ચોક્સાઇ કર્યા બાદ આરટીઇ એકટ હેઠળ બાળકને પ્રવેશ અપાશે. આમ, ચાલુ વર્ષથી આરટીઇ એકટ હેઠળ પ્રવેશની પ્રક્રિયા વધુ ચુસ્ત અને અસરકારક બનાવાઇ છે.