અમદાવાદ,તા.પ
રાજ્યના બંદરો અને વાહનવ્યવહાર વિભાગ હેઠળની વાહનવ્યવહાર કમિશનરની કચેરી દ્વારા તાજેતરમાં ભાવનગર સ્થિત આર.ટી.ઓ. કચેરીમાં કેટલીક અનિયમિતતા અને નાણાંકીય ગેરરીતીઓ આચરવા બદલ કુલ પાંચ ફરજરત કર્મચારીઓને તાત્કાલીક અસરથી ફરજ મોકુફી હેઠળ મૂકવામાં આવ્યાં છે જેમાં જનસંપર્ક અધિકારી જે.એમ.ગાંધી, સિનિયર ક્લાર્ક એન.એ.પટેલ, કે.કે.મહેતા, એમ.એન.રાઠોડ અને બી.કે. બોરીચાને તાત્કાલીક અસરથી ફરજ મોકુફી હેઠળ મુકી તેઓની બદલી અલગ-અલગ સ્થળોએ કરી દેવાઇ છે એમ વાહનવ્યવહાર કમિશનરની કચેરી દ્વારા જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર વાહનવ્યવહાર કમિશનર કચેરી મારફત આધુનિક સોફ્ટવેર દ્વારા સિલ્વર/ગોલ્ડ કક્ષાના વાહનો માટેના નંબરો ઇ-ઓક્શનથી ફાળવવાની પ્રક્રિયા અમલમાં છે. પરંતુ આ કર્મીઓએ તે મુજબની કાર્યવાહી કરી ન હતી અને પોતાના લોગ-ઇન આઇડીમાં ડેટા રીવર્ટબેક કરી અને વેચાણ કિંમતમાં સુધારો કરીને વસુલ કરવાપાત્ર રકમને બદલે ઉચ્ચક કરની આકારણી કરીને રાજ્યને આર્થિક નુકશાન પહોંચાડ્યું છે જેને ધ્યાને લઇને રાજ્યની સરકારે આ નિર્ણય કર્યો છે.
વાહનવ્યવહાર કમિશનરે ઇ-ઓકશન મારફતે નંબરોની ફાળવણીમાં અનિયમિતતા ઉપરાંત, વાહનોના રજિસ્ટ્રેશનમાં વાહન-૪ સોફ્ટવેરમાં કુલ-૧૮૪ માંથી ૮૨ વાહનોનો કર ઓછો વસુલ કરી તે પૈકી ૪૭ વાહનોના રજીસ્ટ્રેશનની કામગીરી અન્વયે કોઇપણ જાતની ચકાસણી કર્યા વગર એપુઅલ આપવાની કામગીરી, વાહનોના વેરીફીકેશન અને એપ્રુઅલ કરતી વેળાએ વાહનોનો ઓછો કર દર્શાવી કર વસુલાતમાં સરકારને નાણાંકીય નુકશાન કરવા જેવી ગેરરીતીઓ અને અનિયમિતતા આચરનાર આ કર્મીઓને ફરજ મોકુફી હેઠળ મૂકી મૂકાતા છે.