માંગરોળ,તા.૪
માંગરોળ તાલુકાનાં કેટલાક ગામોમાં અને કેટલીક શાળાઓમાં આ રસીકરણ ઘણું જ ઓછું થવા પામેલ છે. બાકી રહી ગયેલા બાળકોને કઈ રીતે આવરી લેવાય એ માટે માંગરોળ તાલુકા પંચાયતનાં સભાખંડમાં આરોગ્ય વિભાગ દ્વારા ચૂંટાયેલા પદાધિકારીઓ, અધિકારીઓ અને આરોગ્ય વિભાગનાં કર્મચારીઓની એક બેઠક સુરત જિલ્લાનાં જિલ્લા વિકાસ અધિકારી ધીરજભાઈ પારેખનાં અધ્યક્ષસ્થાને રાખવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત ડબ્લ્યુ.એચ.ઓ.નાં ડો.ચિરાગ વાલિયાએ આ રસીની ઉપયોગીતા અને એનાંથી થતા લાભો વિશે વિસ્તૃત સમજૂતી આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી ધીરજભાઈ પારેખે ઉપસ્થિત મેદનીને સંબોધન કરતાં જણાવ્યું કે આ રસી મૂકાવવાથી અનેક ફાયદાઓ થાય છે. એમણે ઉપસ્થિત સમૂહને મિઝલ્સ રૂબેલા કાર્યક્રમને ૧૦૦ ટકા સિદ્ધિ આંક ઉપર લઈ જવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં એ.ડી.એચ.ઓ. ડો.લાખાણી, ડો.ઈરફાન મોમીન, ડો.નઈમ, દિલિપસિંહ રાઠોડ, દિપકભાઈ વસાવા, જગદીશભાઈ ગામીત, ટી.ડી.ઓ. રણા, મીનાક્ષીબેન મહીડા, અફઝલ ખાન પઠાણ, આરોગ્ય વિભાગનો સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડુંગરી પ્રા.શાળાના આચાર્ય ઐયુબખાન પઠાણ તથા માંગરોળ તાલુકાનાં તાલુકા આરોગ્ય અધિકારી ડો.આર.પી.શાહીએ કર્યું હતું.