Ahmedabad

રાજ્યમાં ઘેરું બનતું જળસંકટ : પાણીનો વિકટ પ્રશ્ન રૂપાણી સરકારનું પાણી માપે તો નવાઈ નહીં !!

અમદાવાદ, તા.૯
રાજ્યમાં ચોમાસામાં આ વખતે વરસાદે નિરાશ કર્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે બીજી તરફ ડેમોમાં પણ પાણીની સ્થિતિ ચિંતાજનક સ્તરે છે તે જોતા ખેડૂતોની સાથે-સાથે સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. વરસાદ ખેંચાતા એક તરફ રાજ્ય પર દુષ્કાળનો ભય તોળાઈ રહ્યો છે જ્યારે ડેમોની સ્થિતિ જોતાં સરકાર પર ચિંતાનો ભય તોળાઈ રહ્યો છે. જો આ ચોમાસું વરસાદી કસોટી પર ખરૂં ન ઉતરે તો રાજ્યમાં ઘેરું બનતું જળસંકટ રૂપાણી સરકારનું પાણી માપી લેશે !! રાજ્યમાં વરસાદની શરૂઆતથી અત્યારસુધી સિઝનનો કુલ પ૩ ટકા વરસાદ વરસ્યો છે. વરસાદ ખપપૂરતો વરસ્યો નથી છતાં પણ રાજ્યના જળાશયની સ્થિતિ ઉનાળા જેવી જ ભાસી રહી છે. રાજ્યના ર૦૩ જળાશયોમાં ગત મે મહિના કરતાં માત્ર ર.૬૧ ટકા જ પાણીના જથ્થાનો વધારો થયો છે. આ અગાઉ મેં મહિનામાં જળાશયોમાં ૩૩.૯પ ટકા પાણીનો જથ્થો હતો. જે હાલની સ્થિતિએ વધીને માત્ર ૩૬.પ૬ ટકા પાણીનો જથ્થો થયો છે. તુલનાએ ગત વર્ષે આજના દિવસે ૫૯.૩૬ ટકા પાણી હતું. આમ પાણીના જથ્થામાં કુલ ૨૨.૮ ટકાનો ઘટાડો છે. આમ રાજ્યમાં ગંભીર જળ કટોકટીને કારણે આગામી દિવસોમાં રૂપાણી સરકારનું પણ પાણી મપાઈ શકે છે. ગુજરાતના માત્ર ૧૨ જળાશયોમાં જ ૧૦૦ ટકા કરતા વધુ પાણીનો જથ્થો છે. તેમજ ૩૦ જળાશયોમાં ૭૦થી ૧૦૦ ટકા, ૨૮ જળાશયોમાં ૫૦થી ૭૦ ટકા, ૪૯ ડેમોમાં ૨૫થી ૫૦ ટકા પાણી છે. જ્યારે ૮૪ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછું પાણી છે.
રાજ્યના કુલ ૨૦૩ જળાશયોમાં ૨૦૩૪૫૯ એમ.સી.એફ.ટી.(મિલિયન ક્યુબિક ફિટ) જળસંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના ૩૬.૫૬ ટકા જેટલો થાય છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં ૧,૩૧,૯૧૮ સ્ઝ્રહ્લ્‌ જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના ૩૯.૪૯ ટકા જેટલો થાય છે.
હાલની સ્થિતિએ ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૨ ટકા પાણીનો જથ્થો છે, ગત વર્ષે આજના દિવસે કુલ ૮૨.૮૬ ટકા પાણીનો જથ્થો મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમા ૪૯.૭૫ ટકા પાણીનો સંગ્રહ છે, જ્યારે ગત મે માસમાં ૫૩. ૭૫ ટકા પાણીનો જથ્થો હતો. ૯ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ ૮૨.૫૨ ટકા પાણી હતું. આમ ચાલુ વર્ષે ૩૨.૭૭ ટકા પાણીની ઘટ છે. હાલની સ્થિતિએ દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૩૨.૫૧ ટકા પાણી છે, જ્યારે ગત મે માસમાં ૩૩.૩૩ ટકા પાણીનો જથ્થો હતો. આમ પાણીના જથ્થામાં કુલ પોઈન્ટ ૮૨ ટકાનો ઘટાડો થયો છે. તેમજ ગત વર્ષે આજના દિવસે ૪૭.૭૨ ટકા પાણીનો જથ્થો હતો. આમ ચાલુ વર્ષે ૧૫.૨૧ ટકા પાણીની ઘટ સર્જાઈ છે. જ્યારે કચ્છના ૨૦ જળાશયોમાં ૯.૪૮ ટકા પાણીનો જથ્થો છે. જ્યારે ગત મે માસમાં કુલ ૧૫.૭૦ ટકા પાણી હતું. આમ પાણીના જથ્થામાં ૬.૨૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. કચ્છમાં ગત વર્ષે આજના દિવસે ૪૧.૩૩ ટકા પાણીનો સંગ્રહ થયો હતો. સૌરાષ્ટ્રની વાત કરીએ તો કુલ ૧૩૮ જળાશયોમા ૪૪.૮૭ ટકા જળનો સંગ્રહ થયો છે. જે ગત માસ માસના ૨૧.૫૨ ટકા કરતા ૨૩.૩૫ ટકા વધુ છે. પરંતુ સૌરાષ્ટ્રમાં ગત વર્ષે હાલની સ્થિતિ કરતા પાણીનો સંગ્રહ વધુ હતો. આજના દિવસે ૬૨.૦૮ ટકા પાણી હતું. આમ સૌરાષ્ટ્રમાં ૧૭.૨૧ ટકા ઓછું પાણી છે. જયારે સરદાર સરોવરમાં ૩૭૪૩ ક્યુસેક, વણાકબોરીમાં ૬૫૦૦ કયુસેક, દમણગંગામાં ૨૮૬૦ ક્યુસેક, કડાણામાં ૧૪૨૫ ક્યુસેક અને રાવલ જળાશયમાં ૧૧૧૯ ક્યુસેક પાણીની આવક છે. તો બીજી તરફ વણાકબોરીમાંથી ૩૦૦ કયુસેક, દમણગંગામાંથી ૭૯૭ ક્યુસેક અને કડાણા જળાશયમાંથી ૯૮૦૦ ક્યુસેક પાણીની જાવક છે