(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા. ૬
વિદેશી રશીયા જવા માટે સાત જેટલા ઇચ્છુક વ્યકિતઓને લોભામણી સગવડ આપવા તેમજ વર્ક પરમીટ સહિત પરમેન્ટ થવા માટેની ગેરંટીનું જણાવી રૂા.૧૫.૪૬ લાખ પડાવી રશીયા નહી મોકલી છેતરપિંડી કરનાર બ્રિજેશ જયરામભાઇ નાથ વિરુદ્ધ વિશ્વાસઘાત તેમજ છેતરપિંડીની ફરીયાદ ગોત્રી પોલીસ મથકે નોંધાઇ હતી.
બનાવની પ્રાપ્ત વિગતોનુસાર ગોત્રી રોડ અંબિકાનગર પાસે આવેલ યોગી નગરમાં રહેતા અને શેરમાર્કેટનો ધંધો કરતા અતુલભાઇ જયોતિન્દ્રભાઇ પંડયા તેમના પરિવાર સાથે રહે છે. તેઓ વિદેશ રશીયા જવા ઇચ્છતા હોય તેઓએ અખબારમાં આવેલ વિદેશમાં સ્થાયી થવા માટેની જાહેરાતને પગલે તેઓએ રેસકોર્સ શોપીંગ સેન્ટરમાં આવેલ મહાવીરનો પ્રિયા કંસલ્ટન્ટ ઓફિસનો સંપર્ક કર્યો હતો. જ્યાં ઓફીસ સંચાલક બ્રિજેશ જયરામનાથને મળ્યા હતા. જ્યાં રશીયા જવા માટેની વાતચીત કરી હતી. આ દરમ્યાન બેજાભાજ બ્રિજેશ નાથે તેમની ઓફીસમાં આવેલા અતુલભાઇ પંડયાને લોભામણની સગવડો જણાવી ક્રમશ રૂા.૧ લાખ ૭૫ હજાર પોતાના એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા. તે બાદ તેઓને વિઝા તેમજ ડોક્યુમેન્ટ મળી જશે તેવી ખાત્રી આપી હતી. આ સાથે અરવિંદ ગોરધનાઇ પટેલ (રહે. પદમાવતી નગર, રાજપીપળા રોડ, અંકલેશ્વર) તથા યશ મુનીસ ક્ક્કર (રહે. સુંદરમ એપાર્ટમેન્ટ, માંજલપુર, વડોદરા), પ્રજ્ઞેશ નટવરલાલ પટેલ (રહે. ત્રણ ભાગ ચોળા, અમદાવાદ), અંકિત મનુભાઇ મિસ્ત્રી (રહે. વૃન્દાવન સોસાયટી, અમદાવાદ) અને જીજ્ઞેશ ચીમન પટેલ (રહે. નિઝામપુરા, વડોદરા)ના પાસેથી પણ લોભામણી સગવડો આપવાનું જણાવી કુલ રૂા.૧૫.૪૬ લાખ પડાવી લઇ રશીયાનું વર્કપરમીટ તેમજ વિઝા આપ્યા નહતા. જેથી ઉપરોકત વ્યકિતઓએ બ્રિજેશ જયરામ નાથ પાસેથી રૂપિયા પરત માંગણી કરી હતી. જે બાબતે તેઓ ગલ્લા તલ્લા તેમજ ઓફીસ બંધ કરીને તથા મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી ફરાર થઇ જતાં અતુલ પંડયા તથા સાહેદોએ ગોત્રી પોલીસ મથકે વિશ્વાસઘાત તેમજ છેતરપિંડજીની ફરીયાદ નોંધાવી હતી.