હિંમતનગર,તા.૧૦
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પક્ષીય અને સહકારી રાજકારણમાં અનેક ચઢાવ ઉતાર આવી રહ્યા છે ત્યારે સાબરકાંઠામાં કોંગ્રેસ શાસિત ત્રણ તાલુકા પંચાયત તેમના હાથમાંથી સરી જતા અત્યારે આ ત્રણ તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા પર છે. ત્યારે પ્રદેશ પ્રમુખે કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપ સાથે હાથ મિલાવતા આઠ સભ્યો એ નોટિસનો જવાબ ન આપતા સોમવારે મોડી સાંજે તેમને પક્ષમાંથી છ વર્ષ માટે બરતરફ કર્યા છે.ઉપરાંત પ્રાંતિજ તાલુકા પંચાયતના એક સદસ્યએ પક્ષના આદેશનો અનાદર કરતા તેમને પણ બરતરફ કરાયા છે. આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સાબરકાંઠાની હિંમતનગર, પોશીના અને તલોદ તાલુકા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષની ટર્મમાં કોંગ્રેસનું શાસન હતું. પરંતુ થોડા દિવસ અગાઉ આ ત્રણેય તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા આઠ સભ્યોએ ગમે તે કારણસર બળવો કરીને ભાજપમાં જોડાઈ ગયા હતા. જેના કારણે કોંગ્રેસ લઘુમતીમાં આવી જતા તેમની પાસેથી સત્તા સરકીને ભાજપના હાથમાં જતી રહેતા જિલ્લાના પક્ષીય રાજકારણમાં ચહલપહલ મચી જવા પામી હતી.
કોને બરતરફ કરાયા
• નયનાબેન ગીરીશભાઈ પટેલ (હિંમતનગર તાલુકા પંચાયત) • ધુળસિંહ મૂળસિંહ રહેવર (હિંમતનગર તાલુકા પંચાયત) • મમતાબેન સરતાનસિંહ મકવાણા (હિંમતનગર તાલુકા પંચાયત) • નવનીતકુમાર નરસિંહભાઈ વણકર (તલોદ તાલુકા પંચાયત) • મણીબા ભીખુસિંહ ઝાલા (તલોદ તાલુકા પંચાયત) • મંછાબેન સમજીભાઈ ગમાર (પોશીના તાલુકા પંચાયત) • લેબાભાઈ હવજીભાઈ પરમાર (પોશીના તાલુકા પંચાયત) • અંકિતભાઈ છગનભાઈ પ્રજાપતિ (પોશીના તાલુકા પંચાયત)