તિરુવનંતપુરમ્,તા.૩
કેરળના સબરીમાલા મંદિર પર વિવાદ હજી સુધી પુરી રીતે થભ્યો નથી. ત્યારે ફરી એક વખત મહત્વપૂર્ણ અહેવાલ મળી રહ્યા છે. ૫ નવેમ્બરથી મંદિરના કપાટ વિશેષ પુજા માટે ફરીથી ખુલી રહ્યા છે. આ વાતને ધ્યાનમાં રાખીને કેરળના ઘણા વિસ્તારોમાં ૩ મહિના સુધી ફરીથી ધારા ૧૪૪ લગાવી દેવામાં આવી છે. મંદિરના કપાટ ખૂલ્યા પછી પરિસ્થિતિ બગડે નહીં તેના માટે વિસ્તારને છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યો છે. તેના માટે શનિવાર સાંજથી પોલીસના ૫૦૦ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે.
તમને જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગત મહિને મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. સુપ્રીમ કોર્ટના આદેશ વિરુદ્ધ ગત મહિને ઘણું હિંસક પ્રદર્શન થયું હતું. તેને જોતા પ્રશાસન તરફથી ૪થી ૬ નવેમ્બર સુધી સન્નીધનમ, પંબા, નિલાક્કલ અને ઈલાવંકુલમાં કલમ ૧૪૪ લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, દર્શન માટે શ્રદ્ધાળુઓનું આગમન શરૂ થઇ ગયું છે.
નવીનતમ આંકડો અનુસાર, ગત મહિને મંદિરની અંદર અને બીજા સ્થાનો પર ૧૬થી ૨૨ ઓક્ટોબર અને સોમવારે સવાર સુધી અડચણ ઉભી કરનાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી, તે વખતે લોકોની સંખ્યા ૩,૫૦૫ થઇ ગઇ હતી. વિભિન્ન પોલીસ સ્ટેશનોમાં તેના ૫૨૯ કેસો નોંધવામાં આવ્યા છે. મંદિર પાંચ નવેમ્બરે ખુલશે અને ત્યારબાદ ૧૬ નવેમ્બરે લગભગ બે મહીનાના નિયમિત વાર્ષિક તીર્થયાત્રા માટે ખુલશે.
સરકાર એક બાજુ કોર્ટના નિર્ણયને કોઇ પણ સંજાગોમાં લાગૂ કરવાની વાત કહી રહી છે, જ્યારે બીજેપી અને અન્ય પક્ષના નિર્ણય વિરુદ્ધ રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા છે. આ તમામ વાતો વચ્ચે બીજેપીએ બીજા ચરણનું આંદોલન મંગળવારથી ફરીથી શરૂ કર્યું છે. બીજેપીનું કહેવું છે કે, આગામી રથયાત્રામાં પાર્ટીના વિશપ અને મૌલાનાઓનું પણ સમર્થન છે.
બીજેપીની એનડીએ સરકારે છ દિવસોની રથયાત્રા કાઢવાની જાહેરાત પણ કરી છે. આ રથયાત્રા કાસરગોડથી સબરીમાલા સુધી ૮ નવેમ્બરથી કાઢવામાં આવશે. આ રથયાત્રાને કાઢવા પાછળનો હેતુ એ છે કે સબરીમાલા મંદિરની પરંપરા અને રિવાજોને બચાવી શકાય.