Ahmedabad

મુસલમાનો માત્ર રમઝાન પૂરતું જ નહીં પણ ઈદ બાદ પણ સાચા મુસલમાન બનીને રહે

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૩
અલ્લાહના નેક બંદાઓ જેની ૧૧ માસ સુધી કાગડોળે રાહ જોતા હોય છે. તે પવિત્ર રમઝાન માસ આવ્યો અને આંખના પલકારામાં તો વિદાયની પણ ઘડી આવી પહોંચી છે. અલ્લાહત્આલાએ જેમને હિદાયત આપી તે તમામ મુસ્લિમ ભાઈ-બહેનોએ નમાઝની પાબંદી સાથે રોઝા રાખી નફીલ ઈબાદતો અદા કરી અલ્લાહત્આલાને રાજી રાખવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ખરી કસોટી હવે શરૂ થશે. કારણ કે, આખો માસ ગુનાહોથી બચવાની કોશીશ કરનાર મુસલમાનો પૈકી હંમેશા ગુનાઓની આદત ધરાવતા લોકો રમઝાનઈદનો ચાંદ દેખાતા જ જાણે કેદમાંથી આઝાદ થયા હોય તેમ પુનઃ ગુનાઓના કાદવમાં ફસાતા જાય છે અને અન્યોને પણ તકલીફમાં મુકતા રહે છે. સાચો મુસલમાન તે જ કહેવાય જેની જીભ, આંખ, હાથ, પગથી અન્યો સલામત રહે પરંતુ આજકાલ કેટલાક મુસલમાનો તદ્દન ઉલટું વર્તન કરી રહ્યા છે. પવિત્ર રમઝાન માસમાં જેમણે થોડીઘણી ઈબાદત કરી નેકી કમાવવાનો પ્રયત્ન કર્યો હશે તેઓ પણ રમઝાન બાદ આ આદત જાળવી રાખવા કે વધારવાના બદલે હમ નહીં સુધરેગેની અદામાં આવી જાય છે. આજકાલ ઘણાખરા લોકોની એ આદત બની ગઈ છે કે, રમઝાનઈદ પૂર્ણ થતાં જ સૌપ્રથમ ક્યાં થિયેટરમાં કઈ સારી ફિલ્મ આવી છે. તે જાણી ફિલ્મો જોવા ઉપડી જશે, તો વળી કેટલાક બાગબગીચા, જાહેરપાર્ક, શોપિંગમોલ કે હરવા ફરવાના સ્થળોએ ઉપડી જશે. જો કે માત્ર હરવા-ફરવા કે ખરીદી કરવા જતા હોય તો કોઈને વાંધો ન હોઈ શકે પરંતુ આવા લોકો પૈકી મોટાભાગના લોકો પોતે ફરવા, ફિલ્મો જોવા કે ખરીદી કરવા કરતાં અન્યોને હેરાન કરવાનું કે નુકસાન કરવાનું કામ વધારે કરતાં હોય છે. બગીચાઓમાં જઈ ફુલ-ઝાડને નુકસાન કરવું, અન્યો પરેશાન થાય તેવું વર્તન કરવું, ખાઈ-પી ગંદકી કરવી, કચરો ગમે ત્યાં ફેંકી દેવો જેવી હરકતો કરતા હોય છે. ઉપરાંત કેટલાક તો લાલ, પીળા, લીલા કપડા, આંખે ડાબલા જેવા ચશ્માં, રંગબેરંગી બુટ અને મોઢામાં ગુટખા-મસાલા ઠોસી હીરોની અદામાં શોપિંગ મોલ કે બજારોમાં એન્ટ્રી મારતા હોય છે અને વળી ત્યાં જઈ એસ્કેલેટર (ઈલેક્ટ્રોનિક સિડી)માં પણ દોડીને ચઢવું કે ઉતરવું સાથે નાના બાળકો હોય તો તેમને પણ દોડાવવા, ધિંગા મસ્તી કરવી જેવી કુચેષ્ટાઓ કરી અન્યોને પરેશાન કરી મુકતા હોય છે અને જો કોઈ સિક્યુરિટી ગાર્ડ રોકવા જાય તો પોતાની અસલ અદામાં આવી દાદાગીરી કરવા લાગે છે. જો કે દરેક મુસલમાન આવા હોતા નથી પરંતુ આવા ગણ્યાંગાંઠ્યા લોકોની હરકતથી આખો મુસ્લિમ સમાજ અને ઈસ્લામ બદનામ થાય છે. જે ઈસ્લામ માનવજાતને સારા અખ્લાક, પાડોશીઓ સાથે ભલાઈ, નાનાને પ્યાર, મોટાનો અદબ કરવાનું શિખવતો હોય તે ઈસ્લામને માનનારા લોકો આવા હોઈ જ ન શકે. ઈદના દિવસોમાં બાગબગીચા, સિનેમાઘરો કે શોપિંગમોલમાં જવાને બદલે પોતાના સગા, સંબંધી, મિત્રો કે સાથીઓ વગેરેના ઘરે જાય એકબીજાને ઈદની મુબારક બાદી પાઠવે તેમના સુખ દુઃખ જાણે તો આપસમાં પ્યાર, મહોબ્બત, ભાઈચારો વધશે અને સમાજમાં પણ તમારૂ માન સન્માન જળવાશે. અન્યોને હેરાન કરવાથી અલ્લાહની નારાજગી સિવાય કશું નહીં મળે સાથી જો દરેકે દરેક મુસલમાન પોતાના અંતરાત્મામાં ઝાંખે કે મુસલમાન તરીકે મારી ફરજ શું છે અને હું શું કરી રહ્યો છું તે સમજી તેના પર અમલ કરે તો વિશ્વમાં મુસલમાનોની બોલબાલા થશે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી.