(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.ર૩
અમદાવાદ શહેરમાં સફાઈ કામદારોની હડતાળને પગલે શહેરમાં ગંદકીના ઢગ ખડકાયા છે. સફાઈ કામદારોએ મૃત્યુના વારસદારોને નોકરી આપવા, કાયમી કરવા સહિતની વિવિધ પડતર માગણી સંદર્ભે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. આજરોજ શહેરભરના સફાઈ કામદારો સરસપુર મસ્ટર સ્ટેશન ખાતે એકત્ર થયા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા. અમદાવાદમાં ૧૨ હજાર સફાઈ કામદાર હડતાળ પર ઉતરી ગયા છે. અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત વર્ગ ૪ ના કર્મચારી એટલે કે સફાઈ કામદારના નોકર મંડળના કર્મચારીઓ દ્વારા હડતાલ કરવામાં આવી છે. તેમની માંગણી છે કે તેમને કાયમી કરવામાં આવે સાથે પગાર વધારો નક્કી થયા મુજબ આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ મુખ્યમંત્રી દ્વારા કાયમી કરવાની જાહેરાત કરવા છતાં કાયમી ના કરાતા આ ચોક્કસ મુદતની હડતાલ સરસપુર મસ્ટર સ્ટેશન ખાતે કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિ. નોકર મંડળના નેતૃત્વ હેઠળ ૧૬ જેટલી પડતર માગણીઓને લઈ સોમવારથી સફાઈ કામદારોએ હડતાળ પર ઊતરવાની જાહેરાત કરી હતી પરંતુ એએમસી સફાઈ કામદારોની હડતાળ સામે ઝૂકવા મ્યુનિ. તૈયાર નથી. સફાઈ કામદારોની હડતાળને દાદ નહી આપવાનું મન મક્કમ બનાવી બેઠેલ એએમસીએ હડતાળમાં જોડાનાર કામદારો સામે લાલ આંખ કરવાનો નિર્ણય કર્યો છે. સફાઈ કામદારોની હડતાળની અસર ઓછી વર્તાય તેના માટેની તમામ વ્યવસ્થા પણ કરી દેવાઈ હોવાનું કોર્પોરેશનના અધિકારીઓ જણાવી રહ્યાં છે.
અમદાવાદમાં સફાઈ કામદારોની હડતાળ પર મેયર બિજલ પટેલે નિવેદન આપ્યું છે કે, કર્મચારીઓની માગણી ખોટી છે. ૨ શિફ્ટમાં કામ થાય તો શહેર આટલુ ગંદુ ના હોય. ગંદકી હશે ત્યાં મશીનો દ્વારા ગંદકી દુર કરાશે.
સફાઈ કામદારોની હડતાળને પગલે શહેરમાં ઠેરઠેર ગંદકીના ઢગ જોવા મળે છે. રસ્તાઓ અને ખાનગી સોસાયટીઓ તથા જાહેર સ્થળોમાં કચરા તથા કાદવ કીચડના ઢગ થયા છે. જો લાંબો સમય આ હડતાળ ચાલશે તો રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે.
જે સફાઈ કામદારો હડતાળમાં જોડાશે તેમના કાયમીના ઓર્ડર સ્થગિત કરાશે
મ્યુનિ. તંત્રના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં ૬ર૦૦ સફાઈ કામદારોને કાયમી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આગામી સમયમાં અન્ય સ્વીકારી શકાય તેવી માગણીઓનું નિરાકરણ પણ કરવામાં આવશે. તેમ છતા જો સફાઈ કામદારો હડતાળ પર ઉતરતા હોય તો તે યોગ્ય નથી માટે જે ૬ર૦૦ કર્મચારીઓ પૈકીના જે હડતાળમાં જોડાશે તેમના કાયમીના ઓર્ડર સ્થગિત કરી દેવામાં આવશે. માટે હડતાળ પર ઉતરી શહેરને બાનમાં લેવું યોગ્ય નથી અને જે સફાઈ કામદારો પોતાની ફરજ નિભાવતા હશે તેમાં કોઈ બાધા ઉભી કરવાની કોશિષ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે.
એડવોકેટ જનરલે હડતાળને પગલે કોર્ટ પાસે હસ્તક્ષેપની માગ કરી
સફાઈ કર્મીઓની હડતાળને લઈ એડવોકેટ જનરલે કોર્ટ પાસે હસ્તક્ષેપની માગણી કરી જણાવ્યું કે આ પ્રકારની ઘટનાને કારણે રોગચાળો પણ ફેલાઈ શકે છે. પ૦૦૦ જેટલા લોકો ફરજ પર ન હોવાને કારણે મુશ્કેલી ઉભી થાય છે. આ કામ માટે અમારે પ્રાઈવેટ એજન્સીને રાખવી પડી છે. આ હડતાળમાં હજારો સફાઈ કામદારો જોડાયા છે તેઓ સરસપુર ખાતે એકત્ર થયા હતા. આ હડતાળને કારણે શહેરમાં ગંદકીના ગંજ ખડકાયા છે. જેને કારણે શહેરમાં રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે. સફાઈ કામદારોએ પોતાની માગણીઓને લઈ બેથી ત્રણ વાર સત્તાધીશોને રજૂઆત કરી હતી. આમ છતાં કોઈ પરિણામ ન આવતા હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો હતો.
કચરો મ્યુનિ.ના ડસ્ટબિનના બદલે ડોર ટુ ડોર વાનમાં જ નાખે
બે દિવસ અગાઉ શહેરમાં ભારે વરસાદના પગલે પાણી ઉતર્યા બાદ શહેરમાં ગંદકીનો માહોલ ઉભો થયો છે તેવા સમયે જ સફાઈ કર્મીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. પરિણામે ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાયા છે. આ મુદ્દાની ગંભીરતા સમજીને મ્યુનિ. કમિશનર વિજય નહેરાએ અમદાવાદના લોકોને સફાઈ મુદ્દે અપીલ કરી છે. વિજય નહેરાએ પોતાની ટવીટ દ્વારા શહેરીજનોને વિનંતી કરી છે કે શહેરીજનો પોતાના ઘર અથવા ઓફિસનો કચરો બહાર અથવા ઝોન ડસ્ટબિન કે ટ્રોલી ડસ્ટબિનમાં ન નાખે અને તેના બદલે ડોર ટુ ડોર કલેકશન કરવા આવતી વેનમાં જ પોતાના ઘર કે અન્ય સ્થળનો કચરો નાખે મ્યુનિસિપલ કમિશનરે આ મુદ્દે આકરા પગલાં ભરવાનો નિર્ણય કર્યો છે. જેમાં સફાઈકર્મીઓની ગેરશિસ્તને નહીં ચલાવી લેવાય તેમ કમિશનરે કહ્યું છે. સવારે રપથી ૩૦ ટકા સફાઈ કામદારો ગેરહાજર રહેતા હતા અને બપોરના સેશનમાં અડધો સ્ટાફ ગેરહાજર રહેતો હતો, ત્યારે આ પ્રકારની ગેરશિસ્ત સહેજ પણ નહીં ચલાવી લેવાય. જે કામ નહીં કરતા હોય તેમને નોકરીમાંથી દૂર કરવાના પગલાં લેવાશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી કહ્યું છે કે અસામાજિક પ્રવૃતિ કરનારા સામે ફરિયાદ લેવાશે જે સફાઈ કામદારો સામે એફઆઈઆર દાખલ કરાશે તેમને સસ્પેન્ડ કરાશે.
સફાઈ કામગીરી આવશ્યક હોવાથી હડતાળ પાડી શકાય નહી
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન (એએમસી)ના સફાઈ કર્મચારીઓ દ્વારા નોકરીની બાબતોના મુદ્દે અચાનક હડતાળ પાડવામાં આવતા તેની સામે અમ્યુકોએ પિટિશન કરીને સફાઈ કામદારોના યુનિયન સામે કોર્ટના આદેશના અનાદરના પગલાં ભરવાની માગણી કરી છે. અમ્યુકોએ જણાવ્યું હતું કે સફાઈ કામદારો દ્વારા પાડવામાં આવેલી હડતાળના કારણે શહેરમાં રોગચાળો ફેલાતા લોકોના જીવ જોખમમાં મુકાય છે. પિટિશનની પ્રાથમિક સુનાવણી બાદ હાઈકોર્ટે સફાઈ કામદાર યુનિયન, તેના પ્રમુખ અને સેક્રેટરીને નોટિસ પાઠવી કેસની વધુ સુનાવણી આગામી ૩૦મી જુલાઈ પર મુલતવી રાખી છે. આ બાબતે કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે સફાઈ કામગીરી આવશ્યક સેવા હોવાથી હડતાળ પાડી શકાય નહીં અને વાટાઘાટો દ્વારા તેનો ઉકેલ આવી શકે છે. શહેરીજનોના આરોગ્યની બાબતને મુશ્કેલીમાં મુકી શકાય નહીં.