સગીર પુત્રી ઉપર બળાત્કાર ગુજારનાર નરાધમ પિતાને આજીવન કેદની સજા

(સંવાદદાતા દ્વારા) પાટણ,તા.ર૮
પાટણ શહેરમાં માતા વિહોણી ધો.૭માં અભ્યાસ કરતી સગીર વયની પુત્રી ઉપર પિતાએ બળાત્કાર ગુજાર્યો હતો. આ ચકચારી કેસ અત્રેની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા જજ ભાર્ગવકુમાર પાઠકે આરોપી એવા પિતાને આજીવન કેદની સજા ફટકારી છે.
પ્રાપ્ત વિગતો મુજબ પાટણના મીરા દરવાજા વિસ્તારમાં રહેતા ભીલ કિશોરભાઈ રાજુભાઈ પોતાની ધો.૭માં અભ્યાસ કરતી માતા વિહોણી સગીર વયની પુત્રીને મજબૂર બનાવી વારંવાર જાતિય શોષણનો ભોગ બનાવતો હતો. પિતા દ્વારા જ મોઢા ઉપર પટ્ટી બાંધી ગુજારાતા આ અમાનુષી અત્યાચારથી સગીર વયની બાળકી ભારે હતપ્રત બની ગઈ હતી. અને અન્ય કોઈ આશરો ના હોઈ મૂંગા મોઢે સહન કરતી હતી.
દરમ્યાન પાટણની ગાંધી સુંદરલાલ પ્રાથમિક શાળામાં ધો.૭માં અભ્યાસ કરતી સગીરાએ પોતાના પિતા દ્વારા કરાતા જાતિય શોષણ અને અત્યાચારની વાત શિક્ષિકા બહેનોને કરતા તેઓ ચોંકી ઉઠયા હતા અને મહિલા સંસ્થાઓ તથા મહિલા સામાજિક કાર્યકર્તાઓને ઘટનાથી વાકેફ કરતા પાટણ પોલીસ મથકે નરાધમ પિતા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી અને ભોગ બનનાર સગીરાનું મેડિકલ કરાવી તેને અનાથ આશ્રમમાં મોકલી દેવામાં આવી હતી. આ કેસ પાટણના એડિશનલ સેશન્સ જજ ભાર્ગવકુમાર પાઠકની કોર્ટમાં ચાલી જતા આજે આરોપી ભીલ કિશોરભાઈ રાજુભાઈને દોષિત ઠેરવ્યા હતા અને આજીવન કેદની સજા ફટકારી રૂા.૧૦૦૦નો દંડ કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks