અમદાવાદ, તા. ર૦
ચૂંટણીઓના કાયદાને લઈને એક મહત્ત્વની જાહેરહિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. આ અરજીમાં એવી માગણી કરવામાં આવી છે. કે, જો કોઈ ઉમેદવાર ચૂંટણીનું ફોર્મ ભરતી વખતે ખોટી માહિતી અથવા તો ગેરમાર્ગે દોરતા દસ્તાવેજ રજૂ કરે અને જો તે બાબત સાચી સાબિત થાય તો તેની વિરૂદ્ધ સજાની જોગવાઈ હાલની છ મહિનાથી વધારીને ત્રણ વર્ષની કરવી જોઈએ. અરજીમાં એવી રજૂઆત કરાઈ હતી કે, જો કોઈ રાજકીય નેતા ચૂંટણીના નોમિનેશન ફોર્મમાં ખોટી વિગતો ભરે તો તે છેતરપિંડી અને ગેરકાયદેસર રીતરસમનો ગુનો બને છે તેવી જ રીતે જો કોઈ સામાન્ય વ્યક્તિ દ્વારા સરકારી વિભાગ અથવા તો સંસ્થામાં ખોટા દસ્તાવેજો રજૂ કરે અથવા તો ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવે તો તે પણ છેતરપિંડી અને ગેરકાયદેસર કૃત્યનો ગુનો બને છે. પરંતુ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૧ મુજબ સામાન્ય માણસને ત્રણ વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે આ જ પ્રકારનો ગુનો ચૂંટણીનું ફોર્મ ભરતી વખતે રાજકીય નેતા દ્વારા કરવામાં આવે તો તેમને માત્ર ૬ મહિનાની સજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આથી એવું પ્રસ્થાપિત થાય છે કે, રાજકીય નેતાઓ અને સામાન્ય માણસોને એક જ ગુના બદલ અલગ-અલગ સજાની જોગવાઈ કરવામાં આવી છે એટલે કે, રાજકીય નેતાને માત્ર છ મહિનાની સજા જ્યારે સામાન્ય માણસને ત્રણ વર્ષ સુધીનો જેલવાસ તે બાબત બંધારણની જોગવાઈઓથી વિરૂદ્ધ છે. પિટિશનમાં રજૂઆત કરવામાં આવી હતી કે, ભારતીય કાયદા પંચે વર્ષ ૨૦૧૪માં એક અહેવાલ રજૂ કરીને લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ ૧૨૫છમાં સુધારો કરીને ખોટા દસ્તાવેજો અને ગેરમાર્ગે દોરતી માહિતી ભરવા બદલ ચૂંટણી ફોર્મ ભરનારને બે વરસની સજા કરવાની ભલામણ કરી હતી. પરંતુ આજદિન સુધી કેન્દ્ર સરકાર દ્વારા આ ભલામણનો અમલ કરવામાં આવ્યો નથી. જેથી એક જ ગુનાના કાયદામાં સજાની જોગવાઈ બાબતે ભેદભાવ ઉપસ્થિત થાય છે. અરજીમાં વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં બહાર આવેલા બનાવોને જોતા દિલ્હીમાં અને ગુજરાતમાં મંત્રી બનેલા નેતાઓએ તેમના ચૂંટણી ફોર્મમાં ખોટા ડીગ્રી સર્ટીફિકેટ રજૂ કર્યા હોવાના આક્ષેપો થયા છે. આથી આવી ઘટનાઓ ન બને અને રાજકીય નેતાઓમાં કાયદાનો ભય પ્રસ્થાપિત થાય તે માટે સજાની જોગવાઈ વધારવી જોઈએ.