અમદાવાદ,તા.૧૧
એકબીજાના સજાયીત સંબંધ અને ગળાડૂબમાં પ્રેમમાં અંધ બનેલી બે યુવતીઓએ ગઇકાલે મોડી રાત્રે સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઇ હતી. અમદાવાદ જિલ્લાના બાવળાના રજોડા ગામે રહેતી અને એકસાથે જીવન ટૂંકાવનાર બંને યુવતીઓ પૈકી એક તો પરિણિત હતી, તેણીએ તેની અઢી વર્ષની માસૂમ બાળકી સાથે પોતાની પ્રેમિકા યુવતી સાથે મોત વ્હાલુ કરતાં બંને પ્રેમી યુવતીઓની સાથે માસૂમ બાળકીનો પણ ભોગ લેવાઇ ગયો હતો. બનાવની વિગતમાં જઈએ તો અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમને ગત મોડી રાતે મેસેજ મળ્યો હતો કે એલિસબ્રિજ ગુજરી બજાર પાસે આવેલ વોક-વે પાસે બે યુવતીઓએ નાના બાળક સાથે નદીમાં ઝંપલાવ્યું છે, જેના આધારે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતાં ફાયર બિગ્રેડની ટીમ અને રિવરફ્રન્ટ (વેસ્ટ) પોલીસ વોક-વે પાસે પહોંચી ગઇ હતી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ નદીમાંથી બે યુવતીઓ અને એક નાની બાળકીની લાશ બહાર કાઢી હતી. પોલીસે તપાસ કરતાં એક યુવતીનું નામ આશાબહેન ઠાકોર (ઉં.વ.ર૮) અને બીજી યુવતીનું નામ ભાવનાબહેન ઠાકોર (ઉં.વ.ર૦), નાની બાળકી આશાબહેનની પુત્રી મેઘા(ઉં.વ.ર.પ) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને વોક-વેની પાળી પરથી એક લખાણ મળી આવ્યું હતું, જેમાં ‘અમે બંને એક થવા માટે દુનિયાથી દૂર થઇ ગયાં હતાં છતાં પણ દુનિયાએ જીવવા ન દીધાં, અમારી સાથે કોઇ પુરુષ નહોતા.’
ઉપરાંત ત્યાંથી ખમણની ડિશ મળી હતી. તે ડિશ પર પણ ‘દુનિયાએ અમને એક ન થવા દીધા. લિ. આશા-ભાવના. ક્યારે મળીશું, હવે ક્યારે મળીશું, હવે આવતા જનમમાં પાછાં મળીશું’ લખાણ મળ્યું હતું. પોલીસ તપાસમાં મૃતક આશાબહેન બાવળાનાં અને ભાવનાબહેન રજોડા ગામનાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. બંને મટોડા પાસે આવેલી એક ખાનગી કંપનીમાં છેલ્લા પાંચેક મહિનાથી સાથે નોકરી કરતાં હતાં. બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આ અંગે તેમનાં પરિવારજનોને પણ જાણ હોવાનું બહાર આવ્યું છે. ત્રણ દિવસ પહેલાં આશાબહેન અને ભાવનાબહેન મેઘા સાથે ઘરેથી નીકળી ગયાં હતાં. અલગ અલગ જગ્યાએ ફર્યા બાદ ગઇકાલે રાતના સુમારે એલિસબ્રિજ પાસેના વોક-વે પર આવ્યાં હતાં. જ્યાં બેસી તેઓને ખમણ ખાધાં હતાં. ખમણ ખાધા બાદ નેઇલ પોલિશથી વોક-વે અને ખમણની ડિશ પર લખાણ લખ્યું હતું અને બાદમાં નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. સજાતીય સંબંધોના પ્રેમમાં અંધ બનેલી બંને યુવતીઓની આત્મહત્યાના બનાવને પગલે અમદાવાદ સહિત સમગ્ર બાવળાના રજોડા પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. રિવરફ્રન્ટ (વેસ્ટ) પોલીસે અકસ્માત મોત નોંધી સઘન તપાસ હાથ ધરી છે.