લુણાવાડામાં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલ સાજીદજમાલની દફનવિધિમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું

લુણાવાડા, તા.ર૧
લુણાવાડામાં શનિવારના રોજ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલ સાજીદજમાલ ઉર્ફે રાબડીની આજરોજ કરાયેલ દફનવિધિમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં ગત શનિવારના રોજ સાજીદ ઉર્ફે રાબડીનું પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું હતું અને તેની બહેન દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે સાજીદના મરણ થવાના પહેલાં જ પોલીસ દ્વારા અવારનવાર તેને મારી નાંખવાની ધમકી પણ મળતી હતી. સતત ત્રણ દિવસ બાદ સોમવારે સવારે આશરે ૧૦ઃ૩૦ વાગ્યા અરસામાં પેનલ પી.એમ. શરૂ કરવામાં આવ્યું હતું. સાંભળવા મળ્યા મુજબ પીએમ અઢી કલાક ચાલ્યું હતું અને આશરે પાંચ જેટલા તબીબો દ્વારા કરવામાં આવ્યું હતું. પીએમના બીજા દિવસે મંગળવારના રોજ લુણાવાડા, ગોધરા તેમજ અન્ય ગામોના આગેવાનો વડોદરા ખાતે સાજીદનો મૃતદેહ લેવા માટે ગયા હતા અને ત્યાં ઈસ્લામી નિયમો અનુસાર વિધિ પૂરી કરી તેના નિવાસસ્થાને લુણાવાડા લાવવામાં આવ્યો હતો અને આજે આશરે ૬ઃ૩૦ વાગ્યાના અરસામાં તેની દફનવિધિ કરવામાં આવી હતી. કહેવાય છે કે, લુણાવાડાના ઈતિહાસમાં કોઈની દફનવિધિમાં આટલો માનવ મહેરામણ ઉમટયો ન હતો તેટલો સાજીદની દફનવિધિમાં ઉમટી પડયો હતો. સાજીદની દફનવિધિમાં પંચમહાલ મહિસાગર જિલ્લામાંથી અનેક મોટા આગેવાનો હાજર રહ્યા હતા.
પીએસઆઈ પટેલનું નામ ઘટનામાંથી ગાયબ
શનિવારથી રવિવાર સુધી સતત ચર્ચામાં રહેલ પીએસઆઈ એચ.એન.પટેલનું નામ અચાનક ઘટનામાંથી ગાયબ થઈ ગયા બાદ પો.સ.ઈ. પ્રવિણ કરેણે ફાયરિંગ કર્યું હતું તેવું ઉછળતા પોલીસ સામે પ્રશ્નો ઊભા થયા છે.
પાસે ઊભેલ વ્યક્તિએ હાથનો ઈશારો કરી મહિલાને ચૂપ થવા કહ્યું
રવિવારના રોજથી વ્હોરા સમાજની બે બહેનો દ્વારા આપવામાં આવેલ ઈન્ટરવ્યુ વાયરલ થયો છે ત્યારે તે બહેનોની વાતો એકબીજાથી જુદી પડતી હોય તેવું લાગી રહ્યું છે. વોરા સમાજની એક બહેન કહે છે કે, ઘરમાં ફકત મહિલાઓ હતી ત્યારે સાથે ઈન્ટરવ્યુ આપનાર બીજી બહેન કહેતા સંભળાય છે કે ઘરમાં ત્રણ મહિલા અને બે બાળકો હતા જ્યારે આ મહિલાએ કહ્યું કે, છોકરાઓ ડરી ગયા અને શોટ કર્યો હતો ત્યારે અચાનક તેમની પાસે ઊભેલા એક વ્યક્તિએ હાથનો ઈશારો કર્યો હતો અને અચાનક તે મહિલાએ વાતચીત કરવાની બંધ કરી દીધી હતી. આ વાયરલ થયેલ ઈન્ટરવ્યુમાં પ્રશ્ન થાય છે કે, આ મહિલાને પહેલાંથી બોલવા માટે સમજાવવામાં આવી હશે અને જ્યારે તે કહેવા કરતાં વધારે બોલી ત્યારે પાસે ઊભેલા વ્યક્તિએ ઈશારા દ્વારા મહિલાને ચૂપ રહેવાનું કહ્યું ?
ઈન્ટરનેટ સેવા બંધ કરવા જાહેરનામું બહાર પડાયું
સાજીદની દફનવિધિ મંગળવારના રોજ હોવાના કારણે અને કોઈ બાબતે સોશિયલ મીડિયા મારફતે કોઈ અફવાઓ ન ફેલાય તથા તંગદિલી ઊભી ના થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી સમગ્ર લુણાવાડા વિસ્તારમાં ઈન્ટરનેટની સુવિધા પૂરી પાડતા સર્વિસ પ્રોવાઈઝરોને તાત્કાલિક અસરથી ઈન્ટરનેટ સેવા બંધ કરવા જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડયું હતું જે રર-૮ની રાત્રીના ૧ર વાગ્યા સુધી અમલમાં રહેશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts