(તસવીર : ઈદ્રીશ કાઉજી, ભરૂચ)
(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.ર૮
ભરૂચ ગાર્ડન મસ્જિદ ટ્રસ્ટના મંડળ દ્વારા રમઝાનના પવિત્ર માસ દરમિયાન નહીં નફો નહીં નુકસાનના ધોરણે બજાર કિંમત કરતા ઓછા દરે ફળફળાદી સહિત ખાદ્ય સામગ્રી અને ઠંડા પીણાનું સાર્વજનિક વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જેથી લોકોએ મોટી રાહત અનુભવી છે. ગાર્ડન મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટી ઈસ્માઈલભાઈ શીતલવાલા, ફૈઝલ ઈકબાલ પાતરાવાલા તેમજ આરીફ પટેલ સહિતની ટીમે ઉનાળા દરમિયાન સર્વધર્મ સમભાવની ભાવના પ્રકટાવતા દરેક રાહદારી માટે મફત છાશ વિતરણ કેન્દ્રની શરૂઆત કર્યા બાદ હાલ રમઝાનના પવિત્ર માસમાં લોકોને શરબત, જ્યુસ, ફળફળાદી, ચા, ખાંડ સહિત ખાદ્ય સામગ્રી સસ્તા દરે નહીં નફો નહીં નુકસાનના ધોરણે મળી રહે અને મોંઘવારીમાં ગરીબ શ્રમજીવી પરિવારોને રાહત મળે તે માટે સાર્વજનિક વેચાણ કેન્દ્રો શરૂ કરાયા છે. ભરૂચના રિલીફ થિયેટર કંપાઉન્ડ, સોનેરી સ્કવેર સહિત કુલ ૩ સ્થળોએ તમામ ધર્મ અને સમાજના લોકો માટે આ વેચાણ કેન્દ્રો શરૂ કરાયા છે. વેચાણ કેન્દ્રોનું સંચાલન કરતા ટ્રસ્ટી ઈકબાલ પાતરાવાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે સદર વેચાણ કેન્દ્રો તમામ જાતિ ધર્મના લોકો માટે દરેક ગરીબ-અમીર લોકો માટે ‘નહીં નફો નહીં નુકસાન’ના ધોરણે શરૂ કરાયા છે. જેમાં લોકોને ઉચ્ચ ગુણવત્તા યુક્ત ચીજવસ્તુઓ કારમી મોંઘવારીના સસ્તા દરે મળી રહે એ જ ટ્રસ્ટીઓનો હેતુ છે.