(એજન્સી) બુંદેલખંડ, તા.ર૪
સામાજિક બહિષ્કારનો સામનો કરી રહેલ હિન્દુ વ્યક્તિએ પોતાના પરિવાર સાથે ઈસ્લામ અંગીકાર કર્યો હતો. મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરતાં છેલ્લા ર૮ વર્ષથી એમનો સામાજિક બહિષ્કાર કરાઈ રહ્યો હતો. બુંદેલખંડના રાજનગર શહેરના રહેવાસી પ૧ વર્ષીય વિનોદ પ્રકાશ ખારેએ ર૮ વર્ષ પહેલાં મુસ્લિમ મહિલા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી એની પત્નીએ હિન્દુ નામ ધારણ કર્યું હતું. જો કે એના કુટુંબીજનોને લગ્ન સંબંધ પસંદ ન હતા જેથી બધા સગા-સંબંધીઓએ એમને બહિષ્કાર કર્યો હતો. ર૧મી ઓગસ્ટે એમણે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. પ્રકાશે જણાવ્યું કે હિન્દુ સમાજ અમને સમર્થન આપતો ન હતો. અમને કોઈ પણ પ્રસંગે આમંત્રણ અપાતું ન હતું. વાત એટલી વધેલ હતી કે મારા પિતાની મૃત્યુ સમયે પણ મને કાંધો આપવા મંજૂરી અપાઈ ન હતી. એની સામે મુસ્લિમ સમાજે મને મદદ કરી હતી જેથી મેં ઈસ્લામ સ્વીકારવાનો નિર્ણય લીધો છે. રાજનગરના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે કહ્યું છે કે, અમને ખબર છે કે, કુટુંબે ધર્મ પરિવર્તન કર્યું છે. જો કોઈ વિવાદો થશે તો એની સામે યોગ્ય પગલાં લેવાશે. વિશ્વ હિન્દુ પરિષદના સ્થાનિક નેતાએ જણાવ્યું કે અમે કુટુંબના પ્રશ્નો ઉકેલીશું.