અમદાવાદ, તા.ર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ પક્ષને ચોક્કસ બહુમતી મળે એમ લાગતું નથી. આથી પ્રજાના પ્રશ્નો ઉઠાવનાર પક્ષને પ્રજા મત આપશે. આથી સામાન્ય લોકોના પ્રશ્નોને ઉઠાવી લોકહિતના મુદ્દાઓ સાથે સૌનું ગુજરાત જનતા પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં ૮૦ બેઠકો ઉપર તેમના ઉમેદવારો લડાવશે એમ પક્ષના અગ્રણી જયસુખ વેકરિયાએ જણાવ્યું હતું.
ગ્રીન ગુજરાત, મફત શિક્ષણ, ખેતીના પ્રશ્નો, ઉદ્યોગોની સમસ્યા, જીએસટી, ગરીબોને મફત આવાસ જેવા મુદ્દાઓની વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસથી કંટાળેલી જનતા અમારો નવો વિકલ્પ સ્વીકારશે. ગુજરાતને દેવામુક્ત બનાવવાના નિર્ધાર સાથે અમે નવીન યુવાઓ કે જેઓ સમાજમાં સ્વચ્છ છબી ધરાવતા હશે તેમને ઊભા કરીશું. કારણ કે, હાલ રાજ્યની જનતા પરેશાન છે. દારૂબંધી હોવા છતાં શહેરો અને ગામડાઓમાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, શિક્ષણનું સ્તર કથળતું જાય છે, બેરોજગારી વધતી જાય છે, મધ્યમ કક્ષાના ઉદ્યોગો ભાંગી રહ્યા છે, રસ્તાઓના ઠેકાણાં નથી, યુવાનોને અન્યાય થઈ રહ્યો છે, આથી પરિવર્તન ખૂબ જરૂરી બન્યું છે.