અમદાવાદ, તા.ર૮
ભાજપ સરકારના રાજમાં ખાનગી કોલેજોના નામે રાજ્યના વિદ્યાર્થીઓ પાસેથી જંગી ફી વસૂલવામાં આવી રહી છે ત્યારે સરકારી કોલેજોમાં પણ ૪૦૦થી પ૦૦ ટકાનો જંગી ફી વધારો કરાતા તબીબી શિક્ષણ મેળવવા માંગતા સામાન્ય અને મધ્યમ વર્ગના ઉચ્ચ ટકાવારી ધરાવતા વિદ્યાથી-વિદ્યાર્થિનીઓને સમસ્યા ઊભી થશે.
ગુજરાતમાં મેડીકલની છ, ડેન્ટલની બે અને ફીજીયોથેરાપીની છ, સરકારી કોલેજમાં ૪૦૦ થી ૫૦૦ ટકાના જંગી ફી વધારો ઝીંકીને તબીબી શિક્ષણ અતિ મોંઘુ બનાવી દીધુ છે. ત્યારે સામાન્ય-મધ્યમ વર્ગના તબીબ અભ્યાસક્રમમાં ઉચ્ચ કારકિર્દી સાથે અભ્યાસ કરતાં ભાવી ડોક્ટરોનો ફી વધારો પરત ખેંચવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની છ સરકારી મેડીકલ કોલેજમાં ૧૩૦૦ બેઠકો પર અગાઉ પ્રતિવર્ષ રૂા. ૬૦૦૦ ફી ના ધોરણોમાં ફેરફાર કરીને રૂા. ૨૫૦૦૦ વાર્ષિક ફી એટલે કે ૪૧૮ ટકાનો ફી વધારો ઝીંકવામાં આવ્યા છે. જ્યારે બે સરકારી ડેન્ટલની ૩૦૦ બેઠકો પર અગાઉ પ્રતિવર્ષ એટલે કે, ૫૦૦ ટકાનો ફી વધારો ઝીંકવામાં આવ્યો છે. જ્યારે છ સરકારી ફીજીયોથેરાપી કોલેજની ૩૦૦ બેઠકો પર અગાઉ પ્રતિવર્ષ રૂા. ૩૦૦૦ ફી ના ધોરણમાં ફેરફાર કરીને રૂા. ૧૫૦૦૦ જેટલો જંગી ફી વધારો એટલે કે ૫૦૦ ટકા ફી વધારો ઝીંકવામાં આવ્યો છે. સરકારી તિજોરીના નાણાંથી ઉભી કરવામાં આવેલ સોસાયટીની કોલેજો ખાનગી કોલેજોના નામે જંગી ફી રાજ્યના વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવી રહી છે. ભાજપ સરકારે ફી વધારા પાછળ વધુ પડતા ખર્ચની વાત આગળ કરી છે. હકીકતમાં સરકારની નીતિ અને નિયત સાફ હોય તો પ્રસિધ્ધી અને ઉત્સવો પાછળ થતા કરોડો રૂપિયાના ખોટા ખર્ચ બંધ કરે સામાન્ય-મધ્યમ વર્ગ ઉચ્ચ ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમવાનું બંધ કરી ફી વધારો પરત ખેંચવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે.